Vadodara News: વડોદરાના એક ભરચક ટ્રાફિક સિગ્નલ પર વાહનોની લાંબી કતારો વચ્ચે દારૂના નશામાં ધૂત એક બાઈકચાલક યુવકે જાહેરમાં લઘુશંકા કરી અસભ્ય હરકત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયાાં ફરતો થયા બાદ પોલીસે આરોપી ગણેશ દિનકરની ધરપકડ કરી તેને પાઠ ભણાવ્યો હતો.
વડોદરા શહેરના એક અત્યંત ભરચક ટ્રાફિક સિગ્નલ પર બનેલી શરમજનક ઘટનાએ શહેરની જાહેર શિષ્ટાચાર અને કાયદા વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે. ટ્રાફિકમાં વાહનોની લાંબી કતાર વચ્ચે એક બાઈકચાલક યુવકે જાહેરમાં જ લઘુશંકા કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે રોષ ફેલાયો હતો. લોકોમાં આ હરકત સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી.
આ ઘટનાને પગલે વડોદરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી લીધી હતી. તપાસ દરમિયાન આરોપી યુવકનું નામ ગણેશ દિનકર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે થોડા જ સમયમાં આરોપીની ધરપકડ કરી તેને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી યુવક દારૂના નશામાં ધૂત હતો અને તેને પોતાની કરેલી અસભ્ય હરકતનું ભાન નહોતું. જોકે, જાહેર સ્થળે આવી હરકતને કોઈ પણ સંજોગોમાં માફ ન કરી શકાય તેવું વલણ પોલીસે અપનાવ્યું હતું.
વડોદરા પોલીસે આ મામલે કડક વલણ દાખવતાં આરોપી ગણેશ દિનકર સામે પ્રોહિબિશન એક્ટ તેમજ મોટર વ્હિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને માત્ર કાયદેસર કાર્યવાહી પૂરતી જ નહીં, પરંતુ સમાજમાં યોગ્ય સંદેશ જાય તે હેતુથી પોલીસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી તેને પાઠ ભણાવ્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેરમાં અશ્લીલ વર્તણૂક કરવી, ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ઊભો કરવો અને નશાની હાલતમાં વાહન ચલાવવું—આ તમામ ગંભીર ગુનાઓ છે અને આવા તત્વો સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં. લોકોનું કહેવું છે કે જાહેર સ્થળે અસભ્યતા અને નશાખોરી સામે કડક પગલાં જરૂરી છે, જેથી શહેરમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે.
