વડોદરા.
Vadodara News: વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ગાય સર્કલ ખાતે રિક્ષા અને કાર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયા બાદ કાચ ચાલકની દાદાગીરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં રોષે ભરાયેલા કાર ચાલકે પોતે પોલીસ ખાતામાં હોવાનો રોફ મારી રિક્ષા ચાલકને ફટકાર્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના તાંદળજા વિસ્તારમાં રહેતા ફારુખ અબ્બાસ શેખ ઑટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે બપોરના સમયે તેઓ સ્ટેશન ખાતેથી મુસાફરોને રિક્ષામાં બેસાડીને ગાય સર્કલ તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી નંબર પ્લેટ વિનાની બ્લેક કાર રિક્ષા સાથે અથડાઈ હતી.
જેથી રોષે ભરાયેલા કાર ચાલકે પોતે પોલીસ ખાતામાં હોવાનો રોફ મારીને ફારુખને ફેંટ પકડીને રિક્ષામાંથી બહાર ખેંચી લીધા બાદ ગડદાપાટુનો માર માર્યો હતો. આ બાબતે ફારુખ શેખે ગોત્રી પોલીસ મથકમાં અરજી આપી છે. હાલ તો પોલીસે તપાસના આધારે આગળની કાર્યવાહી કરવાનું કહ્યું છે.