Vadodara Navratri 2026: સાંસ્કૃતિક નગરી વડોદરામાં નવરાત્રિના આગમન પહેલાં જ ગરબાનો ભવ્ય ઉત્સાહ છવાઈ ગયો છે. ગત 7 ઓક્ટોબરના રોજ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં 46,818 ખેલૈયાઓએ એકસાથે ગરબા રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે. પ્રખ્યાત ગાયક અતુલ પુરોહિત (અતુલ દાદા)એ 'આવી નવ નવ રાત્રિ રે...' ગીત લલકારતાં જ સમગ્ર ગ્રાઉન્ડ ખેલૈયાઓના ઉત્સાહ અને એનર્જીથી ગુંજી ઊઠ્યું હતું. તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પોતાની અમેરિકા-કેનેડાની ટૂર વચ્ચેથી જ સીધા વડોદરા પધાર્યા હતા.
ચાર થીમ પર ગરબાની પ્રસ્તુતિ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુનાઇટેડ વેના સંયુક્ત ઉપક્રમે 'વિકસિત વડોદરા, વિકસિત ભારત' સંકલ્પ અભિયાન હેઠળ આ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 3,000 વિદ્યાર્થીઓએ વિશાળ કાપડના ગોળાકાર પોસ્ટર્સ પકડીને ચાર મુખ્ય થીમ પર ગરબાની ખાસ પ્રસ્તુતિ કરી હતી. જેમાં વડોદરાની સાંસ્કૃતિક ઓળખ દર્શાવતું વડનું વૃક્ષ, શહેરને સ્વચ્છ રાખવાનો સ્વચ્છતા સંકલ્પ, મા શક્તિની આરાધના સાથે નારી શક્તિનો મહિમા અને આગામી વર્ષોમાં વિકસિત ગુજરાત તથા વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ સામેલ હતો. ડ્રોન કેમેરાથી આ થીમ આધારિત ગરબાનો નજારો ખૂબ જ અદ્ભુત અને મનોહર દેખાતો હતો.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ એનાયત
ગિનિસ એડજ્યુડિકેટરે લઘુત્તમ 30,000 લોકોના લક્ષ્યાંકને મોટા તફાવતથી પાર કરવા બદલ આ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરના તમામ નાગરિકોને એનાયત કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ સફળતાનો શ્રેય વડોદરાવાસીઓના પ્રેમ, યુવાનોના ઉત્સાહ અને મહાનગરપાલિકાની ટીમની સખત મહેનતને આપ્યો હતો. ગાયક અતુલ પુરોહિતે પણ વડોદરાના આ અમૂલ્ય અને સાંસ્કૃતિક ગરબાને મળેલા વૈશ્વિક સન્માન બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો.
ગરબા ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો
ખેલૈયાઓમાં પણ આ આયોજનને લઈને ભારે રોમાંચ જોવા મળ્યો હતો. ભાવિન પટેલ નામના ખેલૈયાએ જણાવ્યું કે:
આખો પરિવાર અને યુવાનો આ નવ દિવસીય મહોત્સવની આખું વર્ષ રાહ જોતા હોય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 25 વર્ષના સેવાકાળની ઉજવણી અને વિકસિત ભારતનો સંદેશ આપતું આ સુંદર આયોજન ખૂબ જ બિરદાવવા યોગ્ય છે. મા અંબાના આશીર્વાદ આપણી સાથે છે, તેથી કોઈ પણ હવામાન કે વરસાદ આ ઉત્સાહને રોકી શકશે નહીં.
