વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે કારેલીબાગ પોલીસ મથક વિસ્તારથી ભૂતડીઝાંપા તરફના માર્ગ પર લારી ગલ્લાના દબાણો દુર કરવામાં આવ્યા હતા. જ્યાં કારેલીબાગ પોલીસે પોલીસ બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.
વડોદરા શહેરમાં પાલિકાની દબાણ શાખા દ્વારા રોડ રસ્તાના કિનારે આવેલા લારી ગલ્લાના દબાણો છાશવારે દુર કરવામાં આવતા હોય છે. આ દબાણો દુર કરવાની કામગીરી ફક્ત કહેવા પુરતી જ કરાય છે. જે સ્થળેથી લારી ગલ્લા દુર કરવામાં આવે છે તે જ સ્થળે એક સપ્તાહમાં ફરી વાર લારીઓનો ખડકલો થઇ જતો હોય છે.
પાલિકા દ્વારા શુક્રવારી બજાર ખસેડવા માટે વારંવારના પ્રયત્નો કરવામાં આવ્યા છતાય આજ દિન સુધી જે તે સ્થળે દબાણો યથાવત છે. આજે પાલિકાની દબાણ શાખા દ્વારા કારેલીબાગ પોલીસ મથકથી પોલીસ પરેડ મેદાન અને ભૂતડીઝાંપા તરફ રોડના કિનારે મુકવામાં આવેલીઓ લારીઓના દબાણો દુર કરવામાં આવ્યા હતા. જેમાં અનેક લારીઓ દબાણ શાખાએ જપ્ત લીધી હતી.