વડોદરાવાસીઓને મોટી રાહત: ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઉકેલવા પાલિકાએ 50 પ્લોટ્સ પર 'ફ્રી પાર્કિંગ' જાહેર કર્યું

વડોદરા મહાનગરપાલિકાએ શહેરના ચારેય ઝોનમાં કુલ 57 પ્લોટ્સ શોધી કાઢ્યા છે, જેમાંથી 50 પ્લોટ્સ પર નાગરિકો કોઈપણ ચાર્જ વગર નિઃશુલ્ક વાહન પાર્ક કરી શકશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 08 May 2026 09:28 AM (IST)Updated: Fri, 08 May 2026 09:28 AM (IST)
vadodara-municipal-corporation-free-parking-50-plots-traffic-solution-list

Vadodara Free Parking Plots: વડોદરા શહેરમાં સતત વધતા જતા વાહનોના ભારણ અને પાર્કિંગની અપૂરતી સુવિધાને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાએ શહેરના ચારેય ઝોનમાં કુલ 57 પ્લોટ્સ શોધી કાઢ્યા છે, જેમાંથી 50 પ્લોટ્સ પર નાગરિકો કોઈપણ ચાર્જ વગર નિઃશુલ્ક વાહન પાર્ક કરી શકશે.

19 હજાર વાહનો પાર્ક થઈ શકશે

પાલિકાના આયોજન મુજબ, આ 57 પ્લોટ અંદાજે 53 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા છે. તંત્રના અંદાજ મુજબ, આ નવી જગ્યાઓ ઉપલબ્ધ થવાથી શહેરના રસ્તાઓ પર અંદાજે 17 થી 19 હજાર ટુ-વ્હીલર વ્યવસ્થિત રીતે પાર્ક કરી શકાશે. આ નિર્ણયથી જાહેર માર્ગો પર થતા આડેધડ પાર્કિંગમાં ઘટાડો થશે અને ટ્રાફિકનું ભારણ હળવું થશે. નવેમ્બર-2025માં જાહેર થયેલી હંગામી પાર્કિંગ પોલિસીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. હવે જો પ્રતિબંધિત સ્થળે પાર્કિંગ કરવામાં આવશે તો સીધો ઈ-મેમો ફાડવામાં આવશે.

મુખ્ય ફ્રી પાર્કિંગ સ્થળો:

  • ગોત્રી-સેવાસી: હરિનગર બ્રિજ અને ગોત્રી બ્રિજ નીચે, ક્રિસ્ટલ યજ્ઞપુરુષ સામે.
  • ⁠વાસણા-ભાયલી: ભાયલી ફાયર સ્ટેશન સામે, બ્રાઈટ સ્કૂલ અને ધ મધર્સ સ્કૂલ પાસે.
  • ⁠માંજલપુર-તરસાલી: આયુષ હોસ્પિટલ આગળ, તરસાલી ગુરુદ્વારા અને જાંબુઆ ચોકડી પાસે.
  • ⁠કારેલીબાગ-સમા: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામે, આશીર્વાદ પાર્ટી પ્લોટ અને દર્શન હાઈવ્યૂ પાસે.
  • ⁠અકોટા-તાંદલજા: મનીષા ચોકડી, આંબેડકર સર્કલ અને ચકલી સર્કલ પાસે.

ભીડભાડવાળા વિસ્તારોની બાદબાકીથી સવાલો

એક તરફ પાલિકાએ 50 પ્લોટ ફ્રી જાહેર કર્યા છે, પરંતુ શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા ચાર દરવાજા, રાવપુરા, અલકાપુરી, દાંડિયાબજાર અને ફતેપુરા જેવા વિસ્તારોમાં એકપણ પ્લોટ ફાળવવામાં આવ્યો નથી. અલકાપુરી જેવા વ્યસ્ત વિસ્તારમાં નિઃશુલ્ક પાર્કિંગની સુવિધા ન મળતા તંત્રની નીતિ સામે સવાલો ઉભા થયા છે.

આ 7 સ્થળોએ ચાર્જ ચૂકવવો પડશે (પે એન્ડ પાર્ક):

કુલ પ્લોટ્સ પૈકી 7 જગ્યાએ પાર્કિંગ માટે ચાર્જ લેવાનું નક્કી કરાયું છે, જેમાં અમિતનગર બ્રિજ નીચે, ફતેગંજ બ્રિજ નીચે, હરણી લેક ઝોન, ગોલ્ડન ચોકડી, તાંદલજા શાલિમાર ડુપ્લેક્સ, ન્યૂ સમા રોડ (જલારામ મંદિર પાસે) અને ન્યૂ લહેરીપુરા રોડનો સમાવેશ થાય છે.