Vadodara: વડોદરા મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે રજૂ કરાયેલું 7609 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિએ 63.21 કરોડનો વધારો કરીને કુલ 7672.21 કરોડ રૂપિયાનું મંજૂર કર્યું છે. આ બજેટને અંતિમ મંજૂરી આપવા માટે આજથી વિશેષ સામાન્ય સભાનો પ્રારંભ થયો છે, જે અંદાજે ત્રણ દિવસ સુધી ચાલશે.
સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી દ્વારા સભા સમક્ષ બજેટ રજૂ કરતાં જણાવ્યું કે, શહેરના નાગરિકો પર કોઈપણ પ્રકારનો કર વધારો કરવામાં આવ્યો નથી. નાગરિકોને વેરો ભરવામાં સરળતા રહે તે માટે ઓનલાઇન ટેક્સ પેમેન્ટની સુવિધાને પ્રોત્સાહન આપવામાં આવશે. વડોદરાને ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ધ્યાનમાં રાખીને સીએસઆર એક્ટિવિટીઝ દ્વારા વિકાસકાર્યોને વેગ આપવા આયોજન કરાયું છે.
બજેટમાં મનપાની જૂની ઇમારતો તોડી નવી આધુનિક ઇમારતો ઊભી કરવાનો સમાવેશ છે. આ ઉપરાંત લાલબાગ બ્રિજ નજીક એલિવેટેડ કોરિડોર બનાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે રજૂઆત કરવામાં આવી છે. મહિલાઓની સુવિધા માટે શહેરના વિવિધ ઝોનમાં પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ બનાવવાનું આયોજન પણ આ બજેટમાં સામેલ છે.
આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 30,000 મકાનો બાંધવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાં એક વર્ષમાં 10,000 મકાનો બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.
મનપાના કેપિટલ એક્સપેન્ડિચરમાં સતત વધારો નોંધાયો છે અને છેલ્લા વર્ષોની તુલનામાં શહેરના વિકાસ કાર્યોમાં ત્રણથી ચાર ગણો વધારો થયો હોવાનું ચેરમેનએ જણાવ્યું. ખાસ કરીને સુરસાગર તળાવ ખાતે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની અઠવાડિયામાં એક વખત ભવ્ય આરતી યોજવાનું આયોજન બજેટમાં સમાવાયું છે, જેથી નાગરિકોમાં આધ્યાત્મિક જોડાણ મજબૂત બને.
વિશેષ નોંધનીય બાબત એ છે કે, સામાન્ય રીતે પાંચ વર્ષના કાર્યકાળમાં પાંચ બજેટ રજૂ થવાના હોય છે, છતાં હાલના બોર્ડે છઠ્ઠી વખત બજેટ રજૂ કરીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે.
