Vadodara Liquor Raid: આગામી દિવાળી પર્વ ટાણે શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરવાના પ્રયાસો સામે વડોદરા શહેર અને જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમોએ લાલ આંખ કરીને બે જુદા જુદા સ્થળોએ સફળ દરોડા પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 50 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ બે વાહનચાલકોની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ખિસકોલી સર્કલ નજીક સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો
પ્રથમ બનાવમાં, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા વડસર રોડ પર ખીસકોલી સર્કલ પાસે, વેલ કેર હોસ્પિટલ સામેથી પસાર થતા એક વાહનને આંતરીને રેઈડ કરી હતી. તપાસ દરમિયાન વાહનમાં ઈંડાની 362 ટ્રેની આડમાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની 177 પેટીઓ (કુલ 5,256 બોટલ) મળી આવી હતી.
પોલીસે રૂ. 23,08,560 ની કિંમતનો દારૂ, ઈંડાની ટ્રે અને વાહન મળીને કુલ રૂ. 28,18,810 નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી મૂળ રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી મહેન્દ્ર ઘેવરરામ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે. જ્યારે દારૂ મંગાવનાર, સપ્લાય કરનાર અને વાહન માલિક સહિત 8 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 22.11 લાખનો મુદ્દામાલ જપ્ત
બીજા બનાવમાં, કરજણ તાલુકાના સાપા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર વડોદરા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આઈસર ટ્રકને રોકી હતી. ટ્રકની તલાશી લેતાં તેમાંથી રૂ. 15.04 લાખની કિંમતની વિદેશી દારૂની 128 પેટીઓ (5,256 બોટલ) મળી આવી હતી.
પોલીસે ટ્રક, મોબાઈલ અને તાડપત્રી સહિત રૂ. 22,11,508 નો મુદ્દામાલ જપ્ત કરી રાજકોટના સરપડક ગામના ડ્રાઈવર કાંતિલાલ સવજીભાઈ મુંઘલિયાની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં રાજકોટના પીયુષ ભલારા અને અમરેલીના બીપીન ઉર્ફે જલારામનું નામ ખુલતાં પોલીસે તેમની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
