Vadodara Leopard Accident: વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી પસાર થતા વ્યસ્ત નેશનલ હાઈવે નંબર-48 પર વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. કરજણના કંડારી વિસ્તાર નજીક નેશનલ હાઇવે પર રાત્રીના પુરપાટ ઝડપે દોડતા કોઈ અજાણ્યા વાહને રસ્તો ઓળંગી રહેલા એક દીપડાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે દીપડાનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.
દીપડાનું વાહનની અડફેટે મોત
આ અકસ્માતના બનાવથી હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ભારે કુતૂહલ સાથે ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના જાગૃત રાહદારીઓ અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે વન વિભાગના અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ કરજણ વન વિભાગની ટીમ અને રેસ્ક્યૂ કાફલો પોલીસને સાથે રાખીને ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
વન વિભાગે દીપડાના શબને કબ્જે કર્યો
વન વિભાગના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને પ્રાથમિક પંચનામાની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃત હાલતમાં પડેલા દીપડાના નશ્વર દેહને સુરક્ષિત રીતે પોતાના તાબામાં લીધો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને વધુ તપાસ અને વેટરનરી ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સ્થિત વન વિભાગની સરકારી કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં નિયમોનુસાર આગળની પશુચિકિત્સકીય તપાસ કરવામાં આવશે.
હાઈવે પર સાઈન બોર્ડ લગાવવા માંગ
ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે નંબર-48 પર અવારનવાર દીપડા તેમજ અન્ય મૂગા વન્યજીવોના હાઈવે ક્રોસિંગ વખતે અકસ્માત સર્જાવાના જોખમી બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ માર્ગની આસપાસ આવેલા જંગલ વિસ્તારો, ડુંગરાળ ભાગો તેમજ કોતરોમાંથી પાણી અને ખોરાકની તલાશમાં વન્યજીવો અવારનવાર અજાણતા જ માનવ વસાહતો કે હાઇવે તરફ આવી જતા હોય છે, જેના કારણે આવા નિર્દોષ જીવો વાહનોની અડફેટે ચડીને જીવ ગુમાવી બેસે છે. વન્યજીવ પ્રેમીઓ દ્વારા આ હાઇવે પર સ્પીડ બ્રેકર અથવા યોગ્ય સાઈનબોર્ડ લગાવવાની માંગ કરવામાં આવી છે.
