Vadodara News: વડોદરા જિલ્લામાં રોજગાર તકો વધારવા અને નોકરી શોધી રહેલા યુવા-યુવતીઓને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે મદદનીશ નિયામક રોજગાર કચેરી, તરસાલી દ્વારા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી મેળો(Job Fair) 12 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે આઈટીઆઈ કેમ્પસ, તરસાલી(Tarsali ITI) ખાતે આવેલી ITC બિલ્ડિંગના પ્રથમ માળે યોજાશે.
આ મેળામાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની જાણીતી કંપનીઓ તરફથી ટેકનીશન, એન્જીનીયર, પ્રોડક્શન ઓપરેટર, ઓફિસ વર્ક, સેલ્સ કોર્ડિનેટર, એકાઉન્ટન્ટ, ટીચર સહિત કુલ 173થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક તેમજ B.A. અને B.Ed. પાસ ઉમેદવારો માટે આસિસ્ટન્ટ ટીચર અને ટીચર પદ માટેની તક પણ ઉપલબ્ધ રહેશે. વડોદરાની જાણીતી શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ સ્થળ પર હાજર રહી ઇન્ટરવ્યુ લેશે. ભરતી મેળો 18 થી 40 વર્ષના તમામ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે ખુલ્લો રહેશે.
રોજગાર મેળો માત્ર નોકરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ વિશે માર્ગદર્શન પણ આપશે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, વિદેશી રોજગાર તકો તેમજ સ્વરોજગાર માટેની વિવિધ યોજનાઓ અંગે નિષ્ણાતો દ્વારા ઉમેદવારો અને નોકરીદાતાઓને માહિતગાર કરવામાં આવશે.
ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના પાંચ બાયોડેટા/રિઝ્યૂમે સાથે સમયસર હાજર રહેવાનું રહેશે. કોઈપણ ઉમેદવાર અથવા સંસ્થાને પસંદગી પ્રક્રિયા દરમ્યાન કોઈ ફી કે ચાર્જ ચૂકવવાનો નથી, તેમ જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે. આ ભરતી મેળો વડોદરા જિલ્લાના યુવાનો માટે સકારાત્મક રોજગાર તકોનું સશક્ત મંચ પૂરું પાડે તેવું આયોજન માનવામાં આવે છે.
