Vadodara News: વડોદરા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓની હાલત હાલ 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી દયનીય બની ચૂકી છે. એક તરફ વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા અને બીજી તરફ સરકારી નીતિઓની ઉપેક્ષા સામે ઝઝૂમતી આ શાળાઓને હાલ કાયમી શિક્ષકોની ગંભીર ખાલી જગ્યાઓના કારણે શિક્ષણ કાર્ય ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, શાળાઓનું સંચાલન કરવું વહીવટી તંત્ર માટે પણ મોટો પડકાર બન્યો છે.
230 શિક્ષકો અને કર્મચારીઓ નિવૃત
પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રાન્ટેડ શાળાઓમાં દર વર્ષે જે પ્રમાણમાં શિક્ષકો વય મર્યાદા કે અન્ય કારણોસર નિવૃત્ત થાય છે. તેટલા પ્રમાણમાં નવી કાયમી ભરતી થતી નથી. જેના કારણે ઉત્તરોત્તર ખાલી જગ્યાઓનો આંકડો મોટો થતો જાય છે. તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, વડોદરાની ગ્રાન્ટેડ શાળાઓમાંથી મે અને ઓક્ટોબર એમ વર્ષના બે તબક્કામાં કુલ 230 જેટલા શિક્ષકો, કર્મચારીઓ અને આચાર્યો વય નિવૃત્ત થયા છે. આ નિવૃત્ત થયેલા સ્ટાફમાં અંદાજે 200 જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો, 5 આચાર્યો તેમજ બાકીના બિન-શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે.
100 જેટલી જગ્યાઓ ખાલી રહી
આ સામે શાળાઓની ખાલી જગ્યાઓ ભરવા માટે છેલ્લે વર્ષ 2025માં કાયમી ધોરણે શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારબાદ કાયમી સ્ટાફની ભરતી પ્રક્રિયા નિયમિત થઈ શકી નથી. વર્તમાન શૈક્ષણિક વર્ષની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાલી પડેલી જગ્યાઓ સામે અંદાજે 250 જેટલા પ્રવાસી શિક્ષકો એટલે કે 'જ્ઞાન સહાયકો'ની કોન્ટ્રાક્ટ આધારિત કામચલાઉ નિમણૂક કરવામાં આવી છે. આમ છતાં, વડોદરાની શાળાઓમાં હજુ પણ 100 જેટલી જગ્યાઓ ખાલી જ રહી છે.
જ્ઞાન સહાયકોનો ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે
આ ગંભીર સમસ્યામાં તાજેતરમાં ઓક્ટોબર માસમાં નિવૃત્ત થયેલા શિક્ષકોની સંખ્યાનો પણ ઉમેરો થયો છે, જેને કારણે શૈક્ષણિક માળખું વધુ કથળ્યું છે. આ ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે આગામી દિવસોમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જ્ઞાન સહાયકોની નિમણૂક માટેનો ત્રીજો રાઉન્ડ પણ હાથ ધરવામાં આવશે તેવા સૂત્રો દ્વારા અહેવાલ પ્રાપ્ત થયા છે.
