વડોદરા: ગોત્રી વિસ્તારમાં કપડાંની દુકાનમાં ભીષણ આગ, દિવાળી માટે રાખેલો લાખોનો માલસામાન ખાખ

વડોદરાના ગોત્રી ગોકુલનગરમાં આવેલી રિદ્ધિ કલેક્શન કપડાંની દુકાનમાં ભીષણ આગ લાગી. દિવાળી માટે રાખેલો લાખોનો નવો માલસામાન બળીને ખાખ થયો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 23 Oct 2026 12:04 PM (IST)Updated: Fri, 23 Oct 2026 12:04 PM (IST)
vadodara-gotri-clothes-shop-fire-diwali-stock-burnt

Vadodara News: વડોદરા શહેરમાં તહેવારોની મોસમ વચ્ચે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના ગોત્રી ગોકુલનગર વિસ્તારમાં આવેલી એક કપડાંની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે, જોતજોતામાં તેણે આખી દુકાનને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.

કાપડની દુકાનમાં આગ લાગી

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલનગર ખાતે રિદ્ધિ કલેક્સન નામની કપડાંની દુકાનમાં દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને દુકાન સંચાલક દ્વારા ગ્રાહકો માટે મોટા પ્રમાણમાં નવો માલસામાન મંગાવવામાં આવ્યો હતો. આ નવો સ્ટોક દુકાનમાં જ રાખવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર ટાણે જ આગ લાગવાને કારણે દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો આ નવો માલસામાન આગમાં બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે. વેપારીને આર્થિક નુકસાન મોટું વેઠવું પડ્યું છે.

ઘટના સ્થળે લોકો એકઠા થયા

આગ લાગ્યા બાદ દુકાનમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં નજરે પડ્યા હતા. કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના રહીશો અને સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર ગોકુલનગર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

લોકોએ ફાયર વિભાગને જાણ કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વાસણા ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરો અને લશ્કરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક ધોરણે મોરચો સંભાળીને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવવાની સઘન કામગીરી હાથ ધરી હતી.

જાનહાનિનો કોઈ અહેવાલ નથી

સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે અને ફાયર વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના દિવસોમાં જ દુકાન ખાખ થઈ જવાથી વેપારી પરિવાર ચિંતિત બન્યો છે.