Vadodara Jewellery Market: સંસ્કારી નગરી વડોદરામાં આગામી તહેવારો અને લગ્નની મોસમ ને ધ્યાનમાં રાખીને સોના-ચાંદીના બજારમાં અત્યારથી જ ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો વર્તમાન સમયમાં નીચા ભાવનો મહત્તમ લાભ લેવા માટે એડવાન્સ પ્રિ-બુકિંગ તરફ વળ્યા છે. એક અંદાજ મુજબ, આ તહેવારો અગાઉ વડોદરાવાસીઓ આશરે 20 થી 25 કરોડ રૂપિયા સુધીનું સોનું અગાઉથી જ બુક કરાવી લેશે, જેમાં અંદાજે 15 ટકા લોકો એવા છે જેઓએ સીઝન પહેલાં જ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે.
ભાવ ઘટતા ગ્રાહકોમાં ભારે ઉત્સાહ
શહેરના જાણીતા જ્વેલર્સ ‘ગિરીશભાઈ ગણદેવીકર’ના માલિક મંદાર ગણદેવીકરે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ગ્રાહકો માટે સોના-ચાંદીની ખરીદી કરવાનો સોનેરી અવસર ઊભો થયો છે. ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો ગત સમયમાં સોનાનો ભાવ ઊંચામાં ઊંચા સ્તરે 1 લાખ 85 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જો કે, દિવાળીના આ શુભ અવસર પહેલાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 15 થી 20 દિવસ અથવા એક મહિનાના ટૂંકા ગાળામાં જ સોનાનો ભાવ ઘટીને આશરે 1 લાખ 45 હજાર રૂપિયાની આસપાસ આવી ગયો છે. ભાવ ઘટવાના આ વલણને કારણે ખરીદદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પરંપરાગત દિવસો પર વિશેષ નજર
ભારતીય સંસ્કૃતિમાં સોના-ચાંદીની ખરીદીને હંમેશાં સમૃદ્ધિ, લક્ષ્મી અને આર્થિક સુરક્ષાના પ્રતિક રૂપે જોવામાં આવે છે. આ વર્ષે તહેવારોની સીઝનમાં ખરીદી માટે રવિ પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી એવા ત્રણ મુખ્ય અને પવિત્ર દિવસો આવે છે, જેને લઈને જ્વેલરી શોરૂમમાં અત્યારથી જ ગ્રાહકોની અવરજવર સતત વધી રહી છે. વેપારીઓ પણ ખાસ કરીને રવિ પુષ્ય નક્ષત્રના દિવસે બજારમાં ખૂબ જ સારી ઘરાકી અને વેચાણ નીકળશે તેવી દ્રઢ આશા વ્યક્ત કરી રહ્યા છે.
આગામી દિવાળી કે ભવિષ્યમાં સોનાના ભાવ વધશે કે ઘટશે તેની ચોક્કસ આગાહી કરવી બજારના પ્રવાહો જોતાં મુશ્કેલ હોય છે, પરંતુ હાલના ઘટેલા ભાવ ગ્રાહકો માટે વરદાન સાબિત થઈ રહ્યા છે. હાલ જ્વેલરી શોરૂમ્સમાં સોના-ચાંદીનું વેચાણ સતત વેગ પકડી રહ્યું છે અને આખી સીઝન દરમિયાન બજાર તેજીમય રહેશે તેવા ઉજળા એંધાણ વર્તાઈ રહ્યા છે.
