વડોદરા પોલીસનો સપાટો: વેપારી પાસે ખંડણી માંગનાર શખ્સ ઝડપાયો, માંજલપુરમાં આતંક મચાવનાર ત્રણને જાહેરમાં પાઠ ભણાવ્યો

વડોદરામાં પોલીસ વિભાગની ટીમોએ કડક કાર્યવાહી કરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 15 Sep 2026 12:12 PM (IST)Updated: Tue, 15 Sep 2026 12:12 PM (IST)
vadodara-extortion-case-and-manjalpur-attack-case-accused-arrested-by-police
ખંડણી અને હુમલાના કેસમાં આરોપીઓ

Vadodara Crime News: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે દિશામાં વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરી છે. છાણી વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ પાસે રૂ. 10 લાખની ખંડણી માંગનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. બીજી તરફ માંજલપુર વિસ્તારમાં ઘરમાં ઘૂસી હુમલો કરનાર 3 શખ્સોને ઝડપી પાડી જાહેરમાં કાન પકડાવી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતો.

વેપારી પાસે 10 લાખની ખંડણી માંગવાનો મામલો

પ્રથમ કિસ્સામાં મળતી વિગતો અનુસાર, છાણીના ઉદ્યોગપતિને મહેન્દ્ર ડેલાણા નામના શખ્સે ફોન કરીને પોતે રોહિત ગોદારા ગેંગનો સાગરીત હોવાની ઓળખ આપીને રૂ. 10 લાખની ખંડણી માંગી હતી. વધુમાં, પૈસા નહીં આપે તો તેમના પરિવાર પર ગોળી ચલાવવાની ભયાનક ધમકી આપી હતી. આ ધમકીભર્યા કોલ બાદ ઉદ્યોગપતિએ તાત્કાલિક વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે ત્વરિત તપાસ હાથ ધરી ગોદારા ગેંગના પંટર કુલદીપ ગણેશ સ્વામીની ધરપકડ કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હાલ ચાંદની ચોક સંબંધિત અન્ય એક ગુનાની તપાસ હેઠળ હોવાથી, તે તપાસ પૂર્ણ થયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટ્રાન્ઝિટ રિમાન્ડ અથવા વોરંટ મેળવીને તેને વડોદરા લાવશે.

માંજલપુરમાં ઘરમાં ઘૂસી હુમલો કરવાનો મામલો

બીજી તરફ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઘરમાં ઘૂસીને ગાળાગાળી અને મારપીટ કરવી તથા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં માંજલપુર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ઘર બહાર પાર્ક કરેલી રિક્ષાના કાચ ફોડીને તોડફોડ પણ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનાર ત્રણ આરોપી પ્રદીપ ચાવડા, ધર્મેશ મોરે અને હિતેન ઉર્ફે ટીપુની અટકાયત કરી છે.

માંજલપુર પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને GP એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વધુમાં, વિસ્તારમાં ગુનાખોરી આચરતા તત્વોમાં ભય પેદા થાય અને કાયદાનું શાસન જળવાઈ રહે તે માટે પોલીસે ત્રણ આરોપીઓને જાહેરમાં કાન પકડાવીને માફી મંગાવી હતી અને કાયદાના પાઠ ભણાવ્યા હતા.