Vadodara Food Safety Inspection: નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને VMC ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મીઠાઈ અને ફરસાણના નમૂના લેવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.
ચાર વિશેષ ટીમ બનાવી શહેરભરમાં ચેકિંગ શરૂ
દિવાળીના તહેવારો દરમિયાન બજારમાં મીઠાઈ, ફરસાણ અને ખાદ્ય પદાર્થોની માંગમાં ભારે વધારો થતો હોય છે. આ દરમિયાન ગ્રાહકોને ગુણવત્તાસભર અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુસર, વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાએ ચાર અલગ-અલગ ટીમ બનાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ ડેરી, મિઠાઈની દુકાનો અને ફરસાણના વેપારીઓને ત્યાં અચાનક તપાસ હાથ ધરીને ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે.
ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં 'શ્રી કેટરર્સ' ખાતે તપાસ
આ વિશેષ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા એવા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા જાણીતા 'શ્રી કેટરર્સ' નામના વેપારીને ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા સ્થળ પર જઈને વેચાણ અર્થે રાખવામાં આવેલી મીઠાઈઓ અને ખાદ્ય પદાર્થોની પ્રાથમિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખોરાક શાખાની ટીમે શંકાસ્પદ તથા લોકપ્રિય મીઠાઈઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જે અંતર્ગત દુકાનમાંથી 'શાહી ગુલાબ પાક' અને 'કાજુ અંજીર રોલ' જેવા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તહેવારોમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા ફરસાણના પણ નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા.
સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, 14 દિવસમાં રિપોર્ટ
આ અંગે માહિતી આપતા વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર રૂબીના શેખે જણાવ્યું કે, "દિવાળીના તહેવારોને અનુલક્ષીને નાગરિકોનાસ્વાસ્થ્યની સુરક્ષા માટે પાલિકા દ્વારા આ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ખંડેરાવ માર્કેટ સ્થિત શ્રી કેટરર્સમાંથી લેવામાં આવેલા શાહી ગુલાબ પાક, કાજુ અંજીર રોલ અને ફરસાણના સેમ્પલ કાયદેસરની પ્રક્રિયા મુજબ સીલ કરીને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવશે."
તેમણે ઉમેર્યું હતું કે, લેબોરેટરીમાંથી સેમ્પલનો રિપોર્ટ આગામી 14 દિવસની અંદર આવશે. જો રિપોર્ટમાં કોઈ અનિયમિતતા કે ગુણવત્તામાં ખામી જણાશે, તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.
