Vadodara News: વડોદરા શહેરના વ્યસ્ત દાંડિયા બજાર વિસ્તારમાં ફૂટપાથ ઉપર કરવામાં આવેલા દબાણો અને બાંધકામનો મામલો હાલ ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. દાંડિયા બજારમાં વડોદરા ગેસ લિમિટેડ સામે આવેલી એક દુકાનના પગથિયાં તેમજ અન્ય બાંધકામને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, દુકાનદારો દ્વારા ફૂટપાથથી લઈને છેક રોડ સુધી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, જેના કારણે રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે.
દુકાનની BU પરમિશન અને મંજૂર નકશા સામે સવાલો ઉઠ્યા
આ વિવાદ વચ્ચે અનેક સવાલો ઊભા થયા છે કે જે દુકાન સામે આક્ષેપો થઈ રહ્યા છે તેની પાસે સત્તાવાર બી.યુ. (BU) પરમિશન છે કે નહીં? મનપા દ્વારા મંજૂર કરવામાં આવેલા નકશા અને સ્થળ પરના વાસ્તવિક બાંધકામ વચ્ચે કોઈ મેળ છે કે કેમ? એટલું જ નહીં, માત્ર એક જ દુકાન નહીં પરંતુ બાજુમાં આવેલી બેંક દ્વારા પણ ફૂટપાથ રોકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થયા છે કે આટલું મોટું દબાણ તંત્રની નજર બહાર કેમ રહ્યું?
મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવી આજે જ બોલાવી બેઠક
આ સમગ્ર મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નિવેદન આપતા જણાવ્યું છે કે, પરવાનગી વગરના જે પણ દબાણો કે બાંધકામો છે, તેની સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. આ મુદ્દે આજે જ સંબંધિત વિભાગના અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે અને શહેરમાં થતા ગેરકાયદેસર કામોને ત્વરિત અટકાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કમિશનરના આ નિવેદન બાદ હવે વોર્ડ ઓફિસર અને દબાણ શાખાની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. શહેરમાં અવારનવાર ગેરકાયદે દબાણો દૂર કરવાના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તેનો અમલ ક્યારે થશે તે જોવા જેવું રહેશે. હાલ તો રાહદારીઓના હક માટે અને ચાલવા માટેનો ફૂટપાથ વહેલી તકે ખુલ્લો કરાવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.
