વડોદરાના ડભોઈમાં ખૌફનાક ઘટના: દેવ નદીમાં નાહવા પડેલા આધેડ પર મગરનો હુમલો, 3 દિવસે મળ્યો માથા વગરનો મૃતદેહ

વડોદરાના ડભોઈમાં દેવ નદીમાં નાહવા પડેલા 55 વર્ષીય આધેડ પર મગરે હુમલો કર્યો. 3 દિવસની શોધખોળ બાદ માથા વગરનો મૃતદેહ મળતાં ગ્રામજનોમાં અરેરાટી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 23 Oct 2026 11:39 AM (IST)Updated: Fri, 23 Oct 2026 11:39 AM (IST)
vadodara-dabhoi-dev-river-crocodile-attack-man-dead-body-found

Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં દેવ નદી કિનારે એક અત્યંત કરુણ અને ખૌફનાક ઘટના સામે આવી છે. કડધરા ગામ નજીકથી પસાર થતી દેવ નદીમાં નાહવા પડેલા 55 વર્ષીય મકબૂલભાઈ ગરાસીયા છેલ્લા ત્રણ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. વડોદરા ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન શોધખોળ બાદ આજે સવારે તેમનો માથા વગરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

નદીમાં મગરે આધેડ પર હુમલો કર્યો

ઘટનાની વિગત મુજબ, કડધરા ગામે દેવ નદી કિનારેથી મકબૂલભાઈના કપડાં મળી આવ્યા હતા. આ વિસ્તાર મગરોના વસવાટ માટે જાણીતો હોવાથી તેમના પર મગરે હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સતત બે દિવસની શોધખોળ બાદ આજે સવારે અદલાપુરા ગામ નજીક નદીના પાણીમાંથી એક ધડનો ભાગ તરતો મળી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોએ મૃતદેહ મકબૂલભાઈનો જ હોવાની પુષ્ટિ કરી હતી.

મગરના હુમલામાં ત્રીજુ મોત થયું

શરીર પર મગરના તીક્ષ્ણ દાંત અને હુમલાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડભોઇ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં છેલ્લા કેટલાક સમયથી મગરોની વસતિમાં નોંધપાત્ર વધારો થયો છે. માનવ મૃત્યુની આ ત્રીજી ઘટના બનતા ગ્રામજનોમાં ભય અને ફફડાટનો માહોલ છે.

માનવ હુમલાઓ વધતા વન વિભાગ હરકતમાં

બીજી તરફ, જિલ્લામાં મગર અને દીપડાના વધતા જતા ઉપદ્રવ તેમજ હુમલાના બનાવોને ધ્યાને રાખીને વન વિભાગ હરકતમાં આવ્યું છે. ડભોઇના આરએફઓ પ્રિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, નદી કિનારે અને જોખમી વિસ્તારોમાં ચેતવણી આપતા સાવચેતીના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથોસાથ સરપંચો અને ગામના આગેવાનો સાથે બેઠક કરી વન્યજીવોથી બચાવ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.