પ્રશાંત ગજ્જર, Vadodara Crime News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 81 વર્ષીય વૃદ્ધા સાથે ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવવામાં આવી હતી. લાલબાગ બ્રિજ પાસે આવેલી જગન્નાથમ પુરમ સોસાયટીમાં વહેલી સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી દીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી મહિલાએ ગુનાને અંજામ આપવા માટે અગાઉથી જ પૂર્વ આયોજન કર્યું હતું. ઘટનાના એક દિવસ અગાઉ આ મહિલાએ વૃદ્ધાની નજર ચૂકવીને મકાનમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ ઘરના ઉપરના માળે રાત વિતાવી હતી. બીજા દિવસે વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે જ્યારે વાતાવરણ શાંત હતું, ત્યારે આ મહિલાએ ઘરમાં નિંદ્રાધીન વૃદ્ધાની એકલતાનો લાભ લઈ લૂંટને અંજામ આપ્યો હતો.
વૃદ્ધાએ પ્રતિકાર કરતાં આરોપી મહિલાએ બચકાં ભરી લોહીલુહાણ કરી નાંખ્યા
વૃદ્ધા ગાઢ ઊંઘમાં હતા, ત્યારે તેમના હાથમાંથી સોનાની બંગડી ખેંચવા જતાં તેઓ જાગી ગયા હતા અને વિરોધ કરતા આરોપી સાથે તેમની ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આરોપી મહિલાએ ઘરમાં પડેલી એક્યુપ્રેશર સ્ટિક વડે વૃદ્ધા પર હુમલો કર્યો હતો અને તેમના હાથ પર બચકાં ભરીને લોહીલુહાણ કરી નાંખ્યા હતા. આ હુમલા બાદ મહિલા વૃદ્ધાના હાથમાંથી આશરે 12 ગ્રામ વજનની અને અંદાજે રૂ. 1.70 લાખની કિંમતની સોનાની બંગડી લૂંટીને ફરાર થઈ ગઈ હતી.
આરોપી મહિલાએ 3 મહિના અગાઉ આજ ઘરમાં લૂંટને અંજામ આપ્યો હતો
આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ જ મહિલાએ અગાઉ પણ આજ વૃદ્ધાના ઘરને નિશાન બનાવીને આ જ પ્રકારે ત્રણ મહિના અગાઉ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
જો કે અગાઉના કિસ્સામાં યોગ્ય અને કડક કાર્યવાહી સમયસર થઈ હોત, તો કદાચ આ વૃદ્ધાએ બીજી વખત આ પ્રકારના માનસિક અને શારીરિક ત્રાસનો ભોગ બનવું ન પડત તેવી સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
સમગ્ર ઘટનાના પાયાના પુરાવા રૂપે સોસાયટી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ કેમેરામાં આરોપી મહિલા ખૂબ જ ચાલાકીથી ઘરમાં પ્રવેશ કરતી અને ગુનાને અંજામ આપીને કૂદીને ભાગતી નજરે પડે છે. આ સીસીટીવી ફૂટેજના આધારે માંજલપુર પોલીસે સક્રિયતા દાખવીને ગણતરીના જ કલાકોમાં આ કુખ્યાત મહિલા આરોપીને દબોચી લીધી છે અને કાયદેસરની સઘન પૂછપરછ હાથ ધરી છે.
-1788440697214_m.webp)