Vadodara CH Jewellers IT Raid: વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આવેલ જાણીતા જ્વેલરી શોરૂમ CH જ્વેલર્સ પર આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈ.ટી. વિભાગની અચાનક કડક કાર્યવાહીના કારણે વડોદરાના વેપારી આલમ અને અન્ય મોટા જ્વેલર્સમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે આવકવેરા વિભાગના અધિકારીઓની મોટી ટીમ પોલીસ કાફલા સાથે અલકાપુરી સ્થિત CH જ્વેલર્સ પર ત્રાટકી હતી. આ કાર્યવાહી એટલી ગુપ્ત અને ઝડપી હતી કે આસપાસના અન્ય વેપારીઓને આ બાબતે કોઈ ભનક લાગી ન હતી. શોરૂમમાં ગ્રાહકો અને સામાન્ય લોકોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી હતી.
સુરક્ષાના કારણોસર અને તપાસમાં કોઈ દખલ ન થાય તે માટે શોરૂમ બહારથી જ બંધ કરી દેવામાં આવ્યો અને અંદર સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. IT અધિકારીઓ દ્વારા શોરૂમના બિલિંગ રેકોર્ડ્સ, સ્ટોક રજીસ્ટર તેમજ ડિજિટલ ડેટાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.
ખાસ કરીને હાર્ડ ડિસ્ક અને કમ્પ્યુટર સિસ્ટમ જપ્ત કરીને બેનામી વ્યવહારો, ટેક્સ ચોરી અને મોટા પાયે રોકડ વ્યવહારો થયા હોવાની શંકાના આધારે ડેટા રિકવર કરવાનું કામ ચાલી રહ્યું છે. અધિકારીઓ એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયમાં સોના-ચાંદીના મોટા વેચાણ સામે પૂરતો ટેક્સ ભરવામાં આવ્યો છે કે નહીં.
આ કાર્યવાહીથી શહેરના અન્ય મોટા જ્વેલરી વેપારીઓમાં પણ ભારે હડકંપ મચી ગયો છે. દરોડાની આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ જ્વેલર્સ પાસેથી કરચોરીની કેટલી રકમ પકડાઈ છે તેની સત્તાવાર વિગતો બહાર આવશે.
