રાજ્યની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ

ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજ્યની પોલીસ સતર્ક બની છે. ખાસ કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ પોલીસ અને સુરક્ષા એજનસીઓ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી જેલમાં સઘન તપાસ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 12:11 PM (IST)Updated: Tue, 03 Nov 2026 12:11 PM (IST)
vadodara-central-jail-conducts-intensive-security-check-with-bomb-and-dog-squads

Vadodara News: સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઇલના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાજ્યની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ મળતાં જ ગૃહ વિભાગ સહિત સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. વડોદરા સેન્ટ્રલ જેલને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવતાં જ જેલ તંત્ર તેમજ વડોદરા શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

વડોદરા જેલમાં સુરક્ષા એજન્સીઓની તપાસ

ધમકીના સમાચાર મળતાની સાથે જ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પોલીસની વિવિધ ટીમો તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક રાવપુરા પોલીસ, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર જેલ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેલના બેરેકો, કચેરીઓ, રસોડું, હોસ્પિટલ વોર્ડ તેમજ ખુલ્લા વિસ્તારો અને સીમાડાની દીવાલો નજીક અદ્યતન સાધનો સાથે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. ધમકીની ગંભીરતાને ધ્યાને રાખીને જેલના મુખ્ય દરવાજા પર પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે અને મુલાકાતીઓના પ્રવેશ પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે.

અગાઉ પણ મળી ચૂકી છે ધમકીઓ

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં બોમ્બની ધમકી મળવાની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ વડોદરાની જાણીતી શાળાઓ, એરપોર્ટ, સરકારી હોસ્પિટલો તેમજ નામદાર સેશન્સ કોર્ટને પણ ઈમેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. જેને પગલે જે-તે સમયે પણ તપાસ બાદ આ ધમકીઓ માત્ર ‘અફવા’ સાબિત થઈ હતી.

ધમકીભર્યો મેઈલ મોકલનારાની તપાસ

આ સમગ્ર મામલે આઈટી સેલ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચે સક્રિય બનીને ધમકીભર્યો મેઇલ કે સંદેશ ક્યાંથી અને કયા IP સરનામા પરથી આવ્યો છે તેની તાકીદે ટેકનિકલ તપાસ શરૂ કરી છે. પોલીસ વડા અને જેલ વડાના જણાવ્યા મુજબ, નાગરિકો કે જેલના કેદીઓના સગા-સંબંધીઓએ ગભરાવાની જરૂર નથી. પ્રાથમિક તપાસમાં આ ઘટના કોઈ અજ્ઞાત તત્વો દ્વારા ભય ફેલાવવાના ઈરાદાથી કરાયેલું કૃત્ય હોવાનું જણાય છે, છતાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ કોઈપણ પ્રકારની બેદરકારી રાખવામાં આવી નથી અને સમગ્ર જેલ પરિસરને સંપૂર્ણપણે કોર્ડન કરીને ચકાસવામાં આવ્યું છે.