Vadodara Bootlegger Activa Liquor Seizure: ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે રાજ્યમાં દારૂ ઘૂસાડવામાં અને હેરાફેરી કરવામાં આવી રહી છે. આ માટે તેઓ અનેક પ્રકારને પેંતરા અજમાવી રહ્યાં છે. જોકે મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ આવા બુટલેગરોને પકડવામાં સફળ રહે છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. જ્યારે એક બુટલેગરે એક્ટિવાને જ જાણે કે ગોડાઉન બનાવી નાંખ્યું હોય તેમ દારૂ છૂપાવ્યો હતો. એકપછી એક 455 બોટલ મળી આવતા પોલીસ પણ ચોંકી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, બાપોદ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે બે એક્ટિવા મોપેડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લઇને બે શખ્સો પસાર થવાના છે. મળેતી બાતમીના આધારે ચોક્કસ સ્થળે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. એ સમયે શંકાસ્પદ જણાતા બે મોપેડ આવ્યા હતા. જેની સઘન તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બન્ને વાહનચાલકોએ પોતાના ટુ-વ્હીલરના દરેક ખૂણે-ખૂણામાં એવી રીતે ગુપ્ત ચોરખાના બનાવ્યા હતા કે વાહન જોઈને સામાન્ય મોપેડ છે કે દારૂનું નાનું ગોડાઉન, તે ઓળખવું મુશ્કેલ બની ગયું હતું. મોપેડની બોડી અને અંદરના ભાગોમાં બનાવેલા ખાસ ચોરખાનાઓમાંથી એક પછી એક વિદેશી દારૂની બોટલો નીકળવા લાગતા સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ચોરખાનાઓમાંથી દારૂ શોધી કાઢવામાં પોલીસને ભારે મશક્કત કરવી પડી હતી. અંતે બંને વાહનોમાંથી કુલ રૂ. 91,000ની કિંમત ધરાવતી વિદેશી દારૂની 455 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરનાર અલ્કેશ અરવિંદભાઈ રાઠવા તથા સુનિલ પ્રતાપભાઈ રાઠવા (બંને રહે. તા.જી. છોટાઉદેપુર)ની ધરપકડ કરી છે. પોલીસે દારૂની બોટલો, બે મોપેડ અને બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1,41,000નો મુદ્દામાલ કબજે લીધો છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે આ દારૂનો જથ્થો વડોદરા નજીકના કોડકા ગામની લક્ષ્મીબેન અર્જુનભાઈ માળી નામની મહિલાએ મંગાવ્યો હતો. બાપોદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત, દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય સપ્લાયર અને માલ મંગાવનાર મહિલાની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
