વડોદરામાં પેટ્રોલ પંપ બન્યું રણમેદાન: કર્મચારી અને વાહનચાલક વચ્ચે મારામારી, ઈંટ-પથ્થરમારો થયો

વાયરલ વીડિયો તથા CCTV ફૂટેજના આધારે વડોદરા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 06 Oct 2026 09:56 AM (IST)Updated: Tue, 06 Oct 2026 09:56 AM (IST)
vadodara-ajwa-road-petrol-pump-fight-stone-pelting-police-investigation

Vadodara Crime News: વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા આજવા રોડ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પર ગતરોજ વાહનચાલક અને પંપના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક ઘમાસાણ સર્જાયું હતું. ઓછું પેટ્રોલ આપવાના નજીવા મુદ્દે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં લોહિયાળ હુમલામાં ફેરવાઈ ગયો, જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, આજવા રોડ સ્થિત ભારત પેટ્રોલ પંપ પર એક વાહનચાલક પેટ્રોલ પુરાવવા માટે આવ્યો હતો. પેટ્રોલ પુરાવ્યા બાદ તેણે નિયમ મુજબ ઓછું પેટ્રોલ આપ્યું હોવાની ફરિયાદ કરી કર્મચારી સાથે વિરોધ દર્શાવ્યો હતો. આ બાબતે બંને વચ્ચે શરૂઆતમાં સામાન્ય તુ-તુ મૈં-મૈં થઈ હતી. જોકે, વાત મગજમારી સુધી પહોંચતા મામલો વધુ બિચક્યો હતો.

આ બોલાચાલીથી ઉશ્કેરાયેલા પેટ્રોલ પંપના કર્મચારીએ પોતાના બચાવ અને વાહનચાલકનેસબક શીખવવા માટે બહારથી પોતાના મિત્રો અને સ્થાનિક યુવકોની ટોળીને સ્થળ પર બોલાવી લીધી હતી. પંપ પર બહારના તત્વો ભેગા થઈ જતા માહોલ તંગ બની ગયો અને જોતજોતામાં બંને જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી.

ઉશ્કેરાયેલા બંને પક્ષોએ એકબીજા પર સામે દેખાતી ઇંટો અને પથ્થરોના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. પેટ્રોલ પંપ પર અચાનક પથ્થરમારો અને ભાગદોડ મચી જતાં અન્ય વાહનચાલકો તથા સ્થાનિક વેપારીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન એક યુવકના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો, તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પેટ્રોલ પંપના CCTV ફૂટેજ તેમજ ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેપ્ચર કરી લીધો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને વાયરલ વીડિયો તથા CCTV ફૂટેજના આધારે મારામારીમાં સામેલ તત્વો સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.