દીકરા સમાન આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ' ગુમ થતાં વડોદરાના પરિવારમાં શોક, શોધી લાવનારને રુ.1 લાખનું અધધ ઈનામ જાહેર કર્યું

વડોદરાના સેવાસી રોડ પરથી આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ' ગુમ થયો. પારેખ પરિવારે પોપટને હેમખેમ શોધી આપનારને રૂ. 1 લાખનું ઈનામ જાહેર કર્યું. 4 દિવસથી પરિવાર દુ:ખી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 10:27 AM (IST)Updated: Wed, 04 Nov 2026 10:27 AM (IST)
vadodara-african-grey-parrot-laddu-missing-family-reward-1-lakh-rupees-sevasi-road

Vadodara News: વડોદરા શહેરના સેવાસી રોડ વિસ્તારમાં રહેતા પારેખ પરિવાર પર હાલ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારના સભ્યની જેમ ઉછેરવામાં આવેલો અને દીકરા સમાન વ્હાલો એવો આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ' અચાનક ગુમ થઈ જતાં ઘરમાં છેલ્લા ચાર દિવસથી શોક જેવો માહોલ છવાઈ ગયો છે. પરિવારે પોતાના આ લાડકવાયા પક્ષીને હેમખેમ શોધી લાવનાર વ્યક્તિને રૂપિયા ૧ લાખનું આકર્ષક ઈનામ આપવાની જાહેરાત કરી છે.

દીકરાની જેમ ઉછેર્યો હતો 'લડ્ડુ'ને

શાલીન પારેખ અને જેસિકા પારેખ ઉત્સાહી પેટ પેરેન્ટ્સ છે. ખાસ કરીને જેસિકાબેન માટે આ પોપટ માત્ર એક મૂંગું પક્ષી નહોતું, પરંતુ તેમની આંખનો તારો અને પ્રાણ હતો. પોપટની નાની-નાની જરૂરિયાતો, તેના સમયસરના ખોરાક અને સારસંભાળ માટે તેમણે પોતાની ખાનગી શાળાની નોકરી પણ હસતા મુખે છોડી દીધી હતી. છેલ્લા ચાર મહિનાથી લડ્ડુ પરિવારના સભ્યની જેમ રહેતો હતો. તે સવારે બ્રેકફાસ્ટ અને બપોર-રાતના ચોક્કસ સમયે જેસિકાબેનની છાતી પર કે ખોળામાં આવીને બેસી જતો હતો. તેના કાલાઘેલા અવાજ અને પવિત્ર સ્પર્શથી આખું ઘર ગુંજતું રહેતું હતું.

ચાર દિવસથી અન્નનો દાણો નથી લીધો

પોપટના ગુમ થયા બાદથી જેસિકાબેનની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. છેલ્લા ચાર દિવસથી તેમણે મોઢામાં અન્નનો એક પણ દાણો નાખ્યો નથી અને તેઓ માત્ર એક જ રટણ કરી રહ્યા છે કે, "મારો દીકરો મને પાછો લાવી આપો." તેમણે જણાવ્યું હતું કે, આ પક્ષી ઘોંઘાટ અને શોરબકોરથી દૂર રહે છે અને તેને ઊંચાઈ ખૂબ જ પસંદ છે. પારેખ દંપતીએ આસપાસના તમામ વિસ્તારો ખૂંદી નાખ્યા છે, પરંતુ હજુ સુધી 'લડ્ડુ'નો કોઈ જ પત્તો લાગ્યો નથી. હાલ તેઓ લડ્ડુનું ખાલી પાંજરું અને જૂના વિડિયો જોઈને આંસુ વહાવી રહ્યા છે.

ખાસ ઓળખ અને ખરીદીની વિગતો

આફ્રિકન ગ્રે પેરોટ પ્રજાતિનું આ પક્ષી આશરે છ મહિનાની વયનું છે. આ પરિવારે આ ખાસ પેરોટને મુંબઈથી રૂ. 1.10 લાખના ખર્ચે મંગાવ્યો હતો. જો કે, ઈનામની જાહેરાત બાદ અનેક લોકોના ફોન આવી રહ્યા છે, પરંતુ ખોટા દાવાઓથી બચવા માટે પરિવારે લડ્ડુની ખાસ ઓળખ જણાવી છે. આ પોપટની આંખના ભાગે વાગ્યાનું નિશાન છે, તેની ચાંચ ઉપર ખરબચડું ચિહ્ન છે અને તેના પગમાં ખાસ રિંગ પહેરાવવામાં આવી છે.

પેટ પેરેન્ટ્સની સંવેદના અને અપીલ

જેસિકાબેને ભાવુક થઈને કહ્યું હતું કે, હાલ કેટલાક લોકો પેટ પેરેન્ટ્સની લાગણીઓની મજાક ઉડાવે છે, પરંતુ આ મજાક કરવાનો સમય નથી. મારો દીકરો ખોવાયો છે અને તેનું દર્દ માત્ર હું જ સમજી શકું છું. આફ્રિકન ગ્રે પેરોટ દુનિયાના સૌથી બુદ્ધિશાળી અને માનવ બાળ જેટલી સમજ ધરાવતા પક્ષીઓમાં ગણાય છે, જે પોતાના માલિક સાથે ગાઢ આત્મીય નાતો બાંધે છે. પારેખ દંપતીએ વડોદરાવાસીઓને નમ્ર અપીલ કરી છે કે જો કોઈને પણ આ વિશે માહિતી મળે, તો તેઓ તુરંત સંપર્ક કરે જેથી તેમનો 'લડ્ડુ' સહીસલામત ઘર આંગણે પાછો ફરી શકે.