Vadodara Accident News: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ગત રોજ બપોરે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે મકરપુરા, માણેજા રોડ નજીક વિલ્સર કંપની પાસે રહેતા વિરેન્દ્રકુમાર ભોલાભાઈ સરોજ પોતાના મિત્ર સાથે એક્ટીવા સ્કુટર પર મકરપુરા એરફોર્સ રોડ તરફ કામ અર્થે ગયેલા હતા. કામ પૂર્ણ કરી બંને માણેજા તરફ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સુસેન સર્કલથી માણેજા તરફ આવતા એક ફોર વ્હીલર કાર ચાલકે ઝડપ અને બેદરકારીપૂર્વક કાર હંકારી રોડ ડિવાઇડરના ગેપ પાસે એક્ટિવાને ટક્કર મારી હતી.
કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર થઇ
આ અકસ્માતમાં એક્ટિવા ચાલક અને તેમના મિત્ર હવામાં ફંગોળાઈ નીચે પટકાતા તેમને જમણા પગના ઘૂંટણની નીચે અને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા વિરેન્દ્રકુમારને કપાળ, કમર અને ડાબા પગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ બંનેને તરત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા મકરપુરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
ઘટનાના સીસીટીવી સામે આવ્યા
ફરિયાદ મુજબ કાર ચાલકે ગફલત ભરી અને પૂર ઝડપે ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ થઈ છે. હાલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં માર્ગ સલામતી અંગે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મકરપુરા એરફોર્સ રોડ પર ઝડપથી ચાલતા વાહનોને કારણે અકસ્માતની સંભાવના સતત વધતી જણાય રહી છે.
