વડોદરા. Vadodara Local News.
નસવાડી તાલુકામાં ગઈ કાલે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોના સામ્રાજ્યથી ઘેરાઈ ગયું હતું અને ઠંડીના હવામાનમાં અચાનક જ ગરમી લાગવા માંડી હતી અને થોડા જ સમયમાં નસવાડી તાલુકાના બેડીકુવા, વાડીયા (જે) સહિતના આસપાસના 10 ગામો માં અચાનક કમોસમી ભારે વરસાદ પડતા ધરતી પુત્રો માં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગત વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદના ખાબકવા ના કારણે ધરતી પુત્રોને ખેતીમાં નુકસાન ઉઠાવું પડ્યું હતું. હવે શિયાળા પાક દરમિયાન નસવાડી તાલુકાના રાયસીંગપુરા,બેડીકુવા,ધાસિયા, વાડીયા(જે) સહીત 10 ગામોમાં કમોસમી વરસાદ ખાબકતા તુવેર અને કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હાલ ખેતરોમાં કપાસના છોડ ઉપર ડીંડવા ફૂટી નીકળ્યા હતા અને તુવેરના છોડ ઉપર ફુલ વ્યાપક પ્રમાણમાં લાગ્યા હતા અને અચાનક કમોસમી વરસાદ ખાબકતા કપાસના છોડ અને તુવેરના છોડ નમી પડ્યા હતા જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું.
ગત ચોમાસાના સમયમાં ભારે વરસાદના કારણે ખેતીમાં નુકસાન થયું હતું જ્યારે વ્યાજે કે ઉછીના નાણાં લાવીને માંડ માંડ શિયાળુ પાક માટે ધરતી પુત્રો એ ખેતરમાં દવા તેમજ ખાતર નાખી ખેતીમાં સુધારો કર્યો હતો પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતોની ખેતીમાં ફરી થી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને પોતાની ખેતી નિષ્ફળ જવાની ભીતિ પણ સતાવી રહી છે.
