Vadodara Crop Survey: વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાની અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ત્વરિત સૂચનાનાં અનુસંધાને યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ખેતીવાડી ખાતાની કુલ 107 સર્વે ટીમ દ્વારા જિલ્લાના આઠેય તાલુકાના 668 ગામોમાં સ્થળ મુલાકાત લઈને ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
પાક સર્વે કરવામાં આવ્યો
આ સર્વે અંતર્ગત જિલ્લામાં એક લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાકનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમાં આશરે 98 હજાર હેક્ટર વિસ્તાર એવો હોવાનું સામે આવ્યું છે, જ્યાં 33 ટકા કે તેથી વધુ નુકસાન નોંધાયું છે. ડાંગર, સોયાબીન, મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોને ખાસ કરીને નુકસાન થયાનું ખેતીવાડી ખાતાએ તારણ આપ્યું છે.
આ પણ વાંચો
કમોસમી વરસાદની આફત આવી હતી
સરકારે તાત્કાલિક પગલાં લઈ ખેડૂતોને રાહત મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરી છે. કમોસમી વરસાદ જેવી અણધારી આફત સમયે રાજ્ય સરકારે સંવેદનાથી ખેડૂતોની સાથે ઉભા રહી તાત્કાલિક સર્વે હાથ ધર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની ઝડપભરી કામગીરીને કારણે ખેડૂતોમાં સંતોષનું વાતાવરણ જોવા મળ્યું છે.
સાવલી તાલુકાના મુવાલ ગામના ખેડૂતોએ જણાવ્યું કે ખેતીવાડી વિભાગની ટીમ તાત્કાલિક ગામે પહોંચી સર્વે કામગીરી પૂર્ણ કરી ગઈ, જે સરકારની સંવેદનશીલતાનો દાખલો છે. કમલપુરા ગામના સરપંચ અને ખેડૂત જીગરકુમાર પંડ્યાએ જણાવ્યું કે, પાક સહાય માટે ઝડપથી થયેલા સર્વે પ્રક્રિયા રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ખેડૂતોને આશા છે કે ટૂંક સમયમાં સરકાર તરફથી પાક સહાય જાહેર થશે, જેથી વરસાદની આફતમાં થયેલ નુકસાનથી આર્થિક રાહત મળી રહેશે. વડોદરા જિલ્લામાં થયેલી આ ઝડપી કાર્યવાહી ખેડૂતો માટે આશાવાદી સંકેત બની છે.
