વડોદરાના રણોલીમાં ગેરકાયદે કેમિકલ ઠાલવતાં ગટરમાં લાગી આગ: ઝેરી દુર્ગંધથી રહીશો મોઢે રૂમાલ બાંધવા મજબૂર, GPCBએ લીધા સેમ્પલ

આ ભયાનક આગની ઘટના પાછળ સોસાયટી નજીક આવેલા કેમિકલ ટેન્કર ધોવાના સર્વિસ સ્ટેશનો અને રણોલી GIDC ના બેજવાબદાર સંચાલકોની ઘોર બેદરકારી હોવાનો સ્થાનિક રહીશોએ ઉગ્ર આક્ષેપ કર્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 26 Oct 2026 11:15 AM (IST)Updated: Mon, 26 Oct 2026 11:15 AM (IST)
ranoli-vadodara-chemical-gutter-fire-gpcb-sample-test
વડોદરા

Ranoli Chemical Gutter Fire: વડોદરા નજીક આવેલા રણોલી ગામની સત્યનારાયણ સોસાયટીમાં રાત્રિના સમયે ગટરમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ફફડાટ ફેલાઈ ગયો છે. કેમિકલયુક્ત પ્રવાહીના કારણે ગટરમાં ભીષણ આગ લાગી હોવાની આશંકા વચ્ચે ઊંચે સુધી ઊઠેલી આગની જ્વાળાઓ અને ઝેરી ધુમાડાના ગોટાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

કેમિકલ ટેન્કરો અને જીઆઈડીસીની બેદરકારીનો રહીશોનો આક્ષેપ

આ ભયાનક આગની ઘટના પાછળ સોસાયટી નજીક આવેલા કેમિકલ ટેન્કર ધોવાના સર્વિસ સ્ટેશનો અને રણોલી GIDC ના બેજવાબદાર સંચાલકોની ઘોર બેદરકારી હોવાનો સ્થાનિક રહીશોએ ઉગ્ર આક્ષેપ કર્યો છે.

ગામલોકોના જણાવ્યા અનુસાર, જીઆઈડીસીમાંથી આવતા ટેન્કરો દ્વારા મોડી રાત્રે ગેરકાયદેસર રીતે ખુલ્લી ગટરોમાં જ્વલનશીલ અને ઝેરી કેમિકલ ઠાલવી દેવામાં આવે છે. આ ઝેરી કેમિકલના રાસાયણિક પ્રતિક્રિયાના કારણે જ ગટરમાં આટલી ભયાનક આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે.

ઝેરી પ્રદૂષણથી બાળકોને ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ

ગટરમાં આગ લાગવાની આ ઘટના પહેલાંથી જ ગટરમાંથી આવતી કેમિકલની અત્યંત તીવ્ર અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિકોનું જીવવું હરામ થઈ ગયું હતું. આ દુર્ગંધ એટલી ઝેરી છે કે નાના બાળકોને ઊલટીઓ થવા લાગી છે અને વૃદ્ધો તેમજ સામાન્ય લોકોને શ્વાસ લેવામાં ગંભીર તકલીફો પડી રહી છે.

આ ઝેરી હવાથી બચવા માટે લોકો મોઢે રૂમાલ બાંધીને રાત્રિના સમયે ઘરોની બહાર નીકળી આવ્યા હતા અને તંત્રની બેદરકારી સામે ભારે આક્રોશ તથા નારાજગી વ્યક્ત કરી હતી.

GPCBની ટીમે પાણીના સેમ્પલ લીધા, કડક કાર્યવાહીની માંગ

સ્થાનિકોના અતિ ભારે વિરોધ અને ગટરમાં આગ લાગવાની ગંભીર દુર્ઘટના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) નું તંત્ર હરકતમાં આવ્યું છે. GPCBની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગટરના પાણી અને કેમિકલયુક્ત પ્રવાહીના નમૂના એકત્ર કર્યા છે.

લેબોરેટરી ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ ગટરમાં કયા પ્રકારનું ખતરનાક કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું અને આ પ્રદૂષણ ફેલાવવા માટે કયા ઔદ્યોગિક એકમો કે ટેન્કરચાલકો જવાબદાર છે તેનો સત્તાવાર ખુલાસો થશે. હાલમાં રણોલીના સ્થાનિક રહીશો જવાબદારો સામે ગુનો નોંધીને કડકમાં કડક પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.