Pratapnagar Railway Station: ભારતીય રેલવે દ્વારા દેશના 103 ઐતિહાસિક અને વિરાસત ધરાવતા રેલવે સ્ટેશનોના ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરવા માટે ‘સ્ટેશન મહોત્સવ’નું વિશિષ્ટ આયોજન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળના પ્રતાપનગર, આણંદ અને નડિયાદ સ્ટેશનોની આ ઉજવણી માટે પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પ્રતાપનગર રેલવે સ્ટેશનના 146 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
રંગબેરંગી ફુગ્ગાઓ, ફ્લેગ માર્ચ અને ગોયા ગેટથી નેરોગેજની સફર
કાર્યક્રમનો પ્રારંભ હેરિટેજ પાર્કમાં વૉક, ફ્લેગ માર્ચ અને આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડીને કરવામાં આવ્યો હતો. વડોદરા મંડળના મંડળ રેલવે મેનેજર રાજુ ભડકેના માર્ગદર્શન હેઠળ નેરોગેજ હેરિટેજ લાઇન ગોયા ગેટથી પ્રતાપનગર સુધીની સફર થીમ આધારિત વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંડળ યાંત્રિક ઇજનેર અનિલ કુમારે કર્યું હતું.

સેલૂન 700, ટર્ન ટેબલ અને પ્રાચીન સાધનોનું વિશેષ પ્રદર્શન
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીનાના જણાવ્યા અનુસાર, પ્રતાપનગર સ્ટેશનના ઐતિહાસિક મહત્ત્વ અને તેની સ્થાપત્ય શૈલીને રજૂ કરવા માટે રોલિંગ સ્ટોક પાર્કની મુલાકાતનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત અતિથિઓ અને નાગરિકોએ સેલૂન 700, ટર્ન ટેબલ, ક્રેન, રોલર અને અન્ય પ્રાચીન સાધનો નિહાળ્યા હતા તેમજ હેરિટેજ ટ્રેનની સફરનો અદ્ભુત આનંદ માણ્યો હતો. શાળાના બાળકો અને સહેલાણીઓએ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ તથા વિરાસતી સાધનોના પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.
ગણમાન્ય અતિથિઓ અને રેલવે ટીમોની વિશેષ ઉપસ્થિતિ
આ પ્રસંગે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ગતિ શક્તિ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર મનોજ ચૌધરી, ડીન પ્રોફેસર પ્રદીપ ગર્ગ, પશ્ચિમ રેલવે સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની ટીમ, સિવિલ ડિફેન્સ, રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો અને રેલવેના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રેલવે કર્મચારીઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પૂર્ણાહુતિ
કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રતાપનગર ઓડિટોરિયમ ખાતે ઉત્કૃષ્ટ અને સમર્પિત કામગીરી કરનારા રેલવે કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.

