Cricket News: BCCIની 95મી AGMમાં પ્રણવ અમીને BCAનું પ્રતિનિધિત્વ કર્યું, વડોદરા બનશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું નવું સરનામું

આ બેઠકમાં ભૂતપૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલી, વેંકટેશ પ્રસાદ અને સૌરભ તિવારી જેવા દિગ્ગજ ખેલાડીઓ ઉપસ્થિત હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 18 Sep 2026 03:03 PM (IST)Updated: Fri, 18 Sep 2026 03:03 PM (IST)
pranav-amin-represented-bca-at-95th-bcci-agm-vadodara-international-cricket-stadium-champions-trophy
95th BCCI AGM

BCCI AGM 2026: મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ સ્થિત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ના મુખ્યાલય ખાતે યોજાયેલી 95 મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના પ્રમુખ પ્રણવ અમીને હાજરી આપીને વડોદરાનું ગૌરવ વધાર્યું હતું.

ભારતીય ક્રિકેટના સુશાસન, નાણાકીય આયોજન, સ્થાનિક ક્રિકેટના માળખાકીય વિકાસ અને આગામી વૈશ્વિક ટૂર્નામેન્ટના આયોજન અંગે આ બેઠકમાં દેશભરના ક્રિકેટ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે વડોદરા શહેર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની યજમાની કરવા માટે સજ્જ થઈ રહ્યું છે.

ઓક્ટોબર 2026થી BCA સ્ટેડિયમ ખાતે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મહિલા ક્રિકેટ શ્રેણી તેમજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 શ્રેણીનું આયોજન થશે. આ ઉપરાંત, ફેબ્રુઆરી 2027 માં યોજાનાર પ્રથમ ICC ચેમ્પિયન્સ લીગ માટે પણ BCA સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા જેવી વિશ્વની શ્રેષ્ઠ ટીમો ભાગ લેશે, જે વડોદરાના આધુનિક ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી ક્ષમતા પર BCCI અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંસ્થાઓના વિશ્વાસને દર્શાવે છે.

આ બેઠક બાદ પ્રણવ અમીને જણાવ્યું કે, "95મી BCCI AGMમાં બીસીએનું પ્રતિનિધિત્વ કરવું ગૌરવની વાત છે. વડોદરાને મળેલી આંતરરાષ્ટ્રીય મેચોની યજમાની અમારી ટીમની સતત મહેનત, વ્યાવસાયિક વહીવટ અને BCCI સાથેના મજબૂત સંબંધોનું પરિણામ છે. અમે સૌ સાથે મળીને ક્રિકેટ વહીવટ અને મેચ આયોજનના ધોરણોને નવી ઊંચાઈ પર લઈ જઈશું."

આ વાર્ષિક સભા દરમિયાન પ્રણવ અમીને BCCI પ્રમુખ મિથુન મનહાસ અને સચિવ દેવજીત સૈકિયા સહિત દેશના વિવિધ રાજ્યએસોસિએશનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભૂતપૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલી, વેંકટેશ પ્રસાદ અને સૌરભ તિવારી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ પોતપોતાના રાજ્ય ક્રિકેટ મંડળોના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા.

આગામી સમયમાં રમાનારી આંતરરાષ્ટ્રીય મેચોના સફળ આયોજન થકી બરોડા ક્રિકેટ એસોસિએશન દેશના અગ્રણી ક્રિકેટ કેન્દ્રોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેનાથી વડોદરા વૈશ્વિક ક્રિકેટના નકશા પર એક પ્રમુખ રમત આકર્ષણનું મુખ્ય સ્થળ તરીકે ઉભરી આવશે.