સોજીત્રા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ રૂ. 15 હજારની લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં ઝડપાયો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 06 Nov 2022 11:00 AM (IST)Updated: Sun, 06 Nov 2022 11:00 AM (IST)
police-constable-of-sojitra-police-station-was-caught-in-acbs-trap-while-taking-a-bribe-of-rs-15-thousand

આણંદ.
આણંદના સોજીત્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે ખાનગી ફાયનાન્સ કંપનીમાં ફરજ બજાવતા ઈસમ પાસેથી રૂ. 15 હજારની લાંચ માંગી હતી. અને લાંચ ન આપે તો તેની સામે લૂંટ અને ચોરીનો ગુનો નોંધવાની ધમકી પણ આપી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકુ ગોઠવી રંગેહાથ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલ રૂ. 15 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ખાનગી ફાયનાન્સ કંપનીના રીકવરી ઓફિસરને તમામ પ્રકારના વાહનો કે જેનો ફાયનાન્સનો માસિક હપ્તો ડિફોલ્ટ થયા હોય તેવા વાહનો જે તે વાહન માલિક પાસેથી પરત ખેંચવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ કામગીરી માટે કંપની તરફથી રીકવરી ઓફિસ૨ને અધિકૃત કરવામાં આવ્યા છે.

પરંતુ સોજીત્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ બકાભાઈ સોલંકીએ જો સોજીત્રામાં વાહનો કે જેના ફાયનાન્સના હપ્તા બાકી હોય તેવા વાહનો સીઝ કરવા હોય તો માસિક રૂ. 15 હજાર લાંચ તરીકે વહેવાર પેટે માંગ્યા હતા અને વહીવટ કર્યા વગર જો કામ શરૂ કર્યું તો ખોટી રીતે વાહનની લૂંટ અને ચોરીના કેસમાં ફસાવી દેવાની ગર્ભિત ધમકી આપી હતી.

આથી ખાનગી ફાયનાન્સ કંપનીના રીકવરી ઓફિસરે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના પગલે શનિવારના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા મુજબ સોજીત્રા રેલવે સ્ટેશન ૫૨ શનિવારના રોજ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રૂ. 15 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. આ ટ્રેપમાં નડિયાદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આઈ. પટેલ અને તેમની ટીમ જોડાઇ હતી. જ્યારે સમગ્ર ટ્રેપનું સુપરવિઝન અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમાએ કર્યું હતું.