Vadodara News: સગીર વયની બાળકીઓનું શોષણ કરીને વેશ્યાવૃત્તિ માટે હેરાફેરી કરવામાં આવતી હોવાની ફરિયાદ 31 માર્ચ 2023ના રોજ દાખલ થઇ હતી. જેમાં તપાસ હાથ ધરીને સગીર વયની બાળકીઓનું શોષણ કરી વેશ્યાવૃત્તિ માટે હેરાફેરી કરી ભાવનગર લઇ જતાં સુરેશ ઉર્ફે રાજુ લલૌ રઘુનાથ જયસ્વાલને પકડી પૂછપરછ કરતાં આ ગુનાની કબૂલાત કરી છે. આ ઇસમની ધરપકડ કરી બાળકીઓને શોષણમાંથી મુક્ત કરાવી તેઓના વાલી વારસને સોંપવાની સયાજીગંજ પોલીસે તજવીજ હાથ ધરી છે.
પીઆઇ આર.જી.જાડેજાએ જણાવ્યું હતું કે, 31 માર્ચ 2023ની રાત્રે મિડિયા કર્મીઓ દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન કરતાં તેઓને પોલીસ સ્ટેશનમાં લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં આરોપી સુરેશ દ્વારા એક સગીરાને મુંબઇથી તથા વિષ્ણુ નામના ઇસમે રાજસ્થાનથી બે દિકરીઓને લાવી ભાવનગર ખાતે લઇ જઇ એકને રૂ.60,000/-માં તથા અન્ય બે સગીરાઓને રૂપિયા દસ-દસ હજારમાં સોદો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ભાવનગરના ઇસમ વિશાલ મકવાણાને આ ત્રણેય સગીરાઓને સોંપવાનુ નક્કી કરાયું હતું આ બનાવમાં હાલ સુરેશ જયસ્વાલની અટકાયત કરવામાં આવી છે. બે અન્ય રાજસ્થાનના વિષ્ણુ તથા ભાવનગરના વિશાલ મકવાણા નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ત્રણેય દિકરીઓને તેઓના વાલી વારસોને સોંપવાની તજવીજ કરવામાં આવી છે. સાથે જ આ મામલો આંતરરાષ્ટ્રીય ચાઇલ્ડ ટ્રાફિકીંગનો છે કે કેમ તથા આ રેકેટનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે. અન્ય કોઇ ઇસમોની પણ સંડોવણી છે કે કેમ તથા આ સમગ્ર રેકેટમાં કોને શું કમિશન કે લાભ હતો તેની પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.