Navsari Woman Stranded in Belarus: નોકરી માટે બેલારુસ ગયા પછી ત્યાં ફસાયેલી નવસારીની મહિલા મીના જોષી હવે તેમના વતન પરત ફરશે. વડોદરાના એજન્ટ પીયૂષ ચૌહાણે જ તેમની ટિકિટની વ્યવસ્થા કરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચારથી મહિલાના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
24 જાન્યુઆરીએ ભારત પહોંચશે
મીના જોષી બુધવારે, 24 જાન્યુઆરીના રોજ સવારે 6.40 વાગ્યે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પર પહોંચશે. તેઓ મિન્સ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટથી 23 જાન્યુઆરીની રાત્રે 9.20 વાગ્યે બેલાવીઆ એરલાઇન્સ મારફતે ભારત આવવા રવાના થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીયૂષ ચૌહાણ દ્વારા મીના જોષીની પરત ફરવાની ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ પોતાના વતન નવસારી જવા રવાના થશે. અગાઉ, મીના જોષીએ એક વાઇરલ વીડિયોમાં એજન્ટ સામે કેટલાક આક્ષેપો કર્યા હતા, જેના કારણે તેમનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે તેમની સુરક્ષિત વાપસીની જાણકારી મળતા પરિવારમાં ખુશીનો માહોલ છે.
સેફ હાઉસમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે
મહિલાના વીઝાની પ્રોસેસ કરનાર ગજાનંદ ઓવરસિસના માલિક પીયૂષ ચૌહાણે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થયા બાદ મીનાબેનને ભારત પરત લાવવા માટે તાત્કાલિક તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંપનીને જાણ કરતા એક દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, ત્યારબાદ મીનાબેન જ્યાં હતા ત્યાંથી તેમને શોધી કાઢી સેફ હાઉસમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કંપની તરફથી પૂરેપૂરો સહયોગ મળ્યો છે અને તેમની ફ્લાઇટ ટિકિટ પણ બુક કરી દેવામાં આવી છે. ઉપરાંત, કંપનીનો એક પ્રતિનિધિ ત્યાં હાજર રહી તેમને સુરક્ષિત રીતે એરપોર્ટ સુધી પહોંચાડશે તેમ પણ જણાવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
નવસારીના રહેવાસી મીનાબેન જોષી નામની મહિલા, જે આર્થિક સધ્ધરતા માટે વિદેશ જવા ઈચ્છતી હતી, તેમને એજન્ટો દ્વારા માસિક 70 થી 90 હજાર રૂપિયાના પગારની લાલચ આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે બેલારુસમાં ફ્રૂટ પેકિંગનું આસાન કામ કરવાનું રહેશે. જોકે, ત્યાં પહોંચ્યા બાદ પરિસ્થિતિ સાવ વિપરીત નીકળી હતી. મીનાબેનને પેકિંગને બદલે ઢોરના તબેલામાં સાફ-સફાઈ અને મજૂરીનું કામ સોંપવામાં આવ્યું હતું. અત્યંત કષ્ટદાયી સ્થિતિમાં અને અજાણ્યા દેશમાં એકલા પડી ગયેલા મીનાબેને જ્યારે આ અંગે વિરોધ કર્યો, ત્યારે તેમને કોઈ મદદ મળી ન હતી.
પીડિતાએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પોતાની આપવીતી વર્ણવી છે અને ભારત સરકાર તથા સામાજિક અગ્રણીઓ પાસે મદદની ગુહાર લગાવી છે. વાયરલ થયેલા વીડિયોમાં મીનાબેને ગંભીર આક્ષેપો કર્યા હતા કે જ્યારે તેમણે ભારત પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે એજન્ટોએ મદદ કરવાને બદલે તેમને ફોન પર ધમકીઓ આપવાનું શરૂ કર્યું. એજન્ટોએ તેમને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની અને ખોટી વાતો ફેલાવવાની ચીમકી પણ આપી છે.
