Vadodara Soni Family Suicide Case: વડોદરાના માંડવી વિસ્તારમાં નરસિંહજીની પોળમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
આ દુર્ઘટના અંગે માહિતી આપતા ACP જી. બી. બાંભણીયાએ જણાવ્યું હતું કે, મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ત્રણેય સભ્યોનું મોત ફાંસો ખાવાને કારણે થયું હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી અલગ-અલગ 3 સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે.
સ્યુસાઈડ નોટના પ્રાથમિક વિશ્લેષણ મુજબ, આ પરિવારે ગંભીર આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હતું. પરિવાર પર અંદાજે ₹33 લાખ જેટલું દેવું હતું, એટલું જ નહીં તેમની પાસે રહેલી કારના બે હપ્તા પણ હતા. આ આર્થિક બોજમાંથી બહાર નીકળવા માટે તેઓ પોતાના મકાનને વેચીને દેવું ચૂકતે કરવા માટે હિલચાલ કરી રહ્યા હતા, પરંતુ સ્થિતિ થાળે પડી ન હતી.
આ ઉપરાંત પરિવાર દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલ પણ યોગ્ય રીતે ચાલી રહી ન હતી, જેના કારણે આવકનો માર્ગ રૂંધાઈ ગયો હતો. મૃતકોમાં આરતી સોની તથા તેમના બે સંતાનો ઝલક અને નીલકંઠ સોનીનો સમાવેશ થાય છે. આરતી સોનીએ પોતાના હાથે સ્યુસાઈડ નોટ લખી હતી, જ્યારે ઝલક અને નીલકંઠની પણ સ્યુસાઈડ નોટ પોલીસે કબ્જે કરી છે.
ભાવુક કરી દે તેવી બાબત એ સામે આવી છે કે, સ્યુસાઈડ નોટમાં બે સંતાનોએ હોસ્પિટલ સારી રીતે ચાલે તે માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરતી સોનીના માતા, પિતા, ભાઈ અને પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું હોવાથી તેઓ ઊંડા ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.
બીજી તરફ, બંને સંતાનો પણ સતત વધતી આર્થિક સંકડામણને કારણે ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા. હાલ પોલીસે ત્રણેય મૃતકોના મોબાઈલ ફોન કબ્જે કરી તેને વધુ ટેકનિકલ તપાસ અર્થે FSL ખાતે મોકલી આપ્યા છે. પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
