Vadodara
Leopard in Padra: પાદરાના સાધી ગોરીયાદ રોડ પર રાત્રીના સમયે દીપડાની લટાર, ગ્રામજનોમાં ભય
Vadodara News: વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રહેણાક વિસ્તારમાં વન્ય પ્રાણી આવી જવાના કિસ્સામાં વધારો થયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાના સમાચાર સમયાંતરે આવી રહ્યાં છે. ત્યારે પાદરાના સાધી ગોરીયાદ રોડ પર રાત્રીના સમયે દીપડો લટાર મારી રહ્યો હતો. જેનો વીડિયો એક કાર ચાલકે ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. રાત્રીના સમયે દીપડાની લટારથી આસપાસના ગામોના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ છે.
પાદરા તાલુકાના સાધી ગોરીયાદ રોડ પર રાત્રીના સમયે દીપડો આંટાફેરા મારી રહ્યો હતો. એ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા એક કાર ચાલકે દીપડાની આ ગતિવિધિને કેમેરામાં કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયો વાઈરલ થયા બાદ સાધી ગોરીયાદ રોડની આસપાસના ગામમાં દીપડાની હાજરીને લઇને ગ્રામજનો ભયમાં મુકાયા છે.
રાત્રીના સમયે દીપડો ગામમાં પ્રવેશીને હુમલો કરશે તેવો ગભરાટ ગ્રામજનોમાં ફેલાયો છે. દીપડાએ દેખા દીધી હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. જેથી ત્વરિત ધોરણે વન વિભાગ દ્વારા જે સ્થળ પર દીપડો દેખાયો હતો અને તેના સગડ મળ્યા હતા એવા પાદરા તાલુકાના વિવિધ પાંચ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પાંજરા ગોઠવીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.