Vadodara Central Jail: વડોદરાની મધ્યસ્થ જેલ આજે સજા કાપવા માટેનું સ્થળ મટીને આત્મનિર્ભરતાનું એક મોટું કેન્દ્ર બની ગઈ છે. 'સુધારણા અને પુનર્વસન'ના અભિગમ સાથે વડોદરા જેલે એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ જેલમાં કેદીઓ દ્વારા જાણીતી મલ્ટીનેશનલ બ્રાન્ડ 'સફારી' (Safari) ની બેગનું વ્યાવસાયિક સ્તરે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
કેદીઓના હાથે તૈયાર થાય છે હજારો બેગ
મધ્યસ્થ જેલમાં શરૂ કરવામાં આવેલા 'સફારી બેગ એસેમ્બલી યુનિટ'માં અત્યારે 180 જેટલા કેદીઓ કાર્યરત છે. આ કેદીઓ અત્યાધુનિક મશીનો દ્વારા દરરોજ આશરે 2000 બેગ તૈયાર કરે છે. માસિક ધોરણે અહીં 50,000થી વધુ બેગનું ઉત્પાદન થાય છે, જે સીધું જ કંપની મારફતે બજારમાં વેચાણ માટે જાય છે. આ પહેલથી જેલના કેદીઓની ગુનાહિત માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે અને તેઓ નવા આત્મવિશ્વાસ સાથે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો
જેલમાંથી જ પરિવારને આર્થિક ટેકો
આ પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા એ છે કે કેદીઓ સજા ભોગવવાની સાથે સાથે કમાણી પણ કરી રહ્યા છે. તેમની મહેનતના બદલામાં જેલ પ્રશાસન દ્વારા નિયમ મુજબ મહેનતાણું આપવામાં આવે છે. ઘણા કેદીઓ દર મહિને ₹6,000 થી ₹10,000 સુધીની કમાણી કરી રહ્યા છે. આ રકમ તેઓ જેલમાંથી જ પોતાના ઘરે મોકલાવી રહ્યા છે, જેનાથી તેમના પરિવારને આર્થિક સહારો મળી રહ્યો છે.
પ્રિન્ટિંગ પ્રેસ અને કૌશલ્ય વર્ધન
સફારી બેગ યુનિટ ઉપરાંત વડોદરા જેલમાં પ્રિન્ટિંગ પ્રેસનું યુનિટ પણ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. અહીં પણ મોટી સંખ્યામાં કેદીઓ કામ કરીને પ્રિન્ટિંગ ક્ષેત્રની કુશળતા મેળવી રહ્યા છે. આ તાલીમ તેમને ભવિષ્યમાં જેલમાંથી બહાર નીકળ્યા બાદ સમાજમાં સન્માનભેર જીવવા અને રોજગાર મેળવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
નવી જીંદગીની શરૂઆત
જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ કેદીઓને આર્થિક મદદ કરવાની સાથે સાથે તેમને સમાજની મુખ્ય ધારામાં પાછા લાવવાનો છે. જ્યારે કોઈ કેદી કામમાં વ્યસ્ત રહે છે અને કમાણી કરે છે, ત્યારે તેમાં જવાબદારીની ભાવના જન્મે છે. વડોદરા મધ્યસ્થ જેલનું આ મોડેલ હવે દેશની અન્ય જેલો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સજા પૂર્ણ થયા બાદ આ કેદીઓ જ્યારે બહાર જશે, ત્યારે તેમની પાસે માત્ર મુક્તિ જ નહીં, પણ એક કલા અને રોજગારીનું માધ્યમ પણ હશે.
