સમગ્ર રાજ્યભરમાં ગતરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધો. 10માં બીજા પ્રયત્નમાં પણ નાપાસ થતાં એક વિદ્યાર્થિની આઘાતમાં સરી પડી હતી. નબળા પરિણામથી નાસિપાસ થતાં વિદ્યાર્થિનીએ સાડીથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. વિદ્યાર્થિનીના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
વડોદરા શહેરના ડભોઇ રોડ પાસે આવેલી ચાલીમાં પરિવાર સાથે રહેતી 16 વર્ષિય ધર્મિષ્ઠા ગોહિલ ધો.10ની પરીક્ષા બીજી વખત આપી હતી. ગઇકાલે જાહેર થયેલા ધો. 10ના રિઝલ્ટમાં બીજીવાર પણ નાપાસ થતાં ધર્મિષ્ઠા નાસિપાસ થઇ હતી. સાડીથી લોંખડના એંગલ પર ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ પરિજનોને થતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. સમગ્ર મામલે વાડી પોલીસ મથકને જાણ કરતા વાડી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વિધાર્થિનીના મૃતદેહનો કબ્જો લઇ મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી.
સમગ્ર મામલે શિક્ષણવિદ પરેશ શાહે જાણવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાનાં પરિણામને કેટલાક વિદ્યાર્થીઓ પોતાના જીવન મરણનો પ્રશ્ન બનાવી દે છે. બોર્ડની પરીક્ષાના પરિણામથી જીવન નક્કી નથી કરી શકાતું. તમામ વિધાર્થી અને વાલીઓએ આ વાત જલ્દી સ્વીકારી લેવાની જરૂર છે.