વડોદરામાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. નિઝામપુરા વિસ્તારમાં માતા બે વર્ષના બાળકને રૂમમાં એકલો મુકીને કચરો ફેંકવા બહાર ગઇ હતી. એ સમયે રુમનો દરવાજો બંધ થઇ જતાં બાળક ઘરમાં પૂરાઈ ગયો હતો. બાળક ફસાયો હોવાની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અલકાપુરી બેંક ઓફ બરોડા હેડ ઓફિસમાં ફરજ બજાવતા અજીસભાઇ કે. અપ્પુકુટન નિઝામપુરાની શ્રીનાથ ક્લાસિક, નતાશા પાર્ક, રેસિડેન્સી-2ના ડી-402ના મકાનમાં પત્ની પ્રસંશા અને 2 વર્ષના બાળક ઇવાન સાથે રહે છે. આજે સવારે અજીસભાઇ નોકરી પર ગયા હતા તે દરમિયાન 9-30 વાગ્યાના સુમારે સોસાયટીમાં કચરો લેવા માટે આવતી નગર પાલિકાની કચરો જમા કરતી ગાડી આવતા પ્રસંશાબેન પુત્ર ઇવાનને એક રૂમમાં મૂકી કચરો નાંખવા માટે બહાર નીકળ્યા હતા. તેઓ કચરો નાંખીને તરત જ ઘરમાં પરત ફર્યા અને રૂમનો દરવાજો બંધ થઇ ગયો અને પુત્રના રડવાનો અવાજ આવતા હાંફડા-ફાંફળા થઇ ગયા હતા.
પુત્ર ઇવાન જે રૂમમાં હતો તે રૂમનો મુખ્ય દરવાજો બંધ થઇ ગયો હોવાથી ઇવાને રૂમમાં રડવાનું શરૂ કરી દીધું હતું. દરવાજો ખોલવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ દરવાજો ના ખુલતા પડોસીઓ બુમાબુમ સાંભળી દોડી આવ્યા હતા. પડોસીઓએ પણ બંધ થઇ ગયેલ રૂમનો દરવાજો ખોલવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો ના ખુલતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજોના ખુલતા ફાયર લાશ્કરોએ કટર મશીન મંગાવી દરવાજો કાપી ભારે જેહમત બાદ ઘરમાં ફસાઈ ગયેલા બે વર્ષીય બાળકને સલામત બહાર કાઢ્યો હતો.
દોઢ કલાક થી ઘરમાં ફસાઈ ગયેલ બાળક ને ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢી ફાયર લાશ્કરોએ બાળકને બેબાકળી બનેલ માતા સોંપતા માતાની આંખોમાંથી હર્ષના આંસુ નીકળી પડ્યા હતા. માતાએ ફાયર બ્રિગેડની ટીમનો આભાર માન્યો હતો. પુત્રને હેમખેમ જોઈ હર્ષના આંસુ નીકળી આવ્યા હતા.