વડોદરા મહાનગર પાલિકાની કચેરીને અડીને આવેલી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર શાકભાજી અને ફ્રૂટની લારી, પથારાવાળા દ્વારા કરવામાં આવતા દબાણો કોર્પોરેશન માટે માથાનો દુખાવો બન્યા છે.પાલિકાએ અનેકવાર પ્રયાસો કર્યા છતાં દબાણોની આ સમસ્યાના નિરાકરણમાં સફળતા મળી નથી. જૂના મેયરની જેમ નવા મેયર પણ આજે ખંડેરાવ માર્કેટની મુલાકાતે નીકળ્યા હતા અને દબાણો કરનારા વેપારીઓને દબાણો ન કરવા કડક ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
ખંડેરાવ માર્કેટ વડોદરાનું મુખ્ય શાકભાજી બજાર અને ફ્રૂટ બજાર છે. અહીં નાના મોટા વેપારીઓ, પથારાવાળા બજારની બહાર દબાણો કરતા હોવાથી ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. જેના કારણે નોકરી અને ધંધાર્થે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાએ આ સમસ્યાનું નિવારણ લાવવા માટે અનેક પ્રયાસો અગાઉ કરેલા છે, પરંતુ બે ત્રણ દિવસ દબાણ જોવા મળતું નથી પરંતુ ત્યારબાદ પહેલા જેવી સ્થિતિ થઇ જાય છે.
આજે વડોદરાના મેયર નિલેષ રાઠોડ, સ્થાનિક કાઉન્સિલરો, દબાણ શાખાના અધિકારીઓ સાથે ખંડેરાવ માર્કેટ પહોંચ્યા હતા અને વેપારીઓને સમજાવ્યા હતા. મેયરના શબ્દોનું માન જાળવીને પથારાવાળા અને વેપારીઓએ દબાણ નહીં કરવાનું આશ્વાસન તો આપ્યું હતું પરંતુ સાથોસાથ યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી.