Gujarat Assembly Election 2022:
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે અને બીજા તબક્કાનું મતદાન આગામી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણીઓને લઈને પૂર્વપટ્ટીના છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 1લી ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા મત વિસ્તારોમાં જાહેરસભાનું સંબોધન કરશે.
બોડેલી ખાતે ડભોઈ રોડ પર સેવા સદનની બાજુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સભા સ્થળની બિલકુલ પાછળના ભાગે ત્રણ હેલિપેડ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તા. 1લી ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાની સંખેડા, પાવીજેતપુર અને છોટાઉદેપુર તેમ ત્રણ વિધાનસભા બેઠકના ઉમેદવારોના ચુંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન સભા સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા અંગે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, સંખેડા, પાવીજેતપુર અને છોટાઉદેપુર તેમ ત્રણ વિધાનસભા બેઠકના 6 તાલુકાના 50 હજારની જનમેદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ઉપસ્થિત રહેશે અને હાલ જાહેરસભા માટેની તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વડાપ્રધાનની સભા અંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સાથે વાત કરતા તેમને ગુજરાતી જાગરણને જણાવ્યું હતું કે, તા. 1લી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો બોડેલી ખાતે જાહેરસભાનો કાર્યક્રમ નક્કી છે.
