વડોદરા.
સમગ્ર રાજ્યભરમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેર તેમજ જિલ્લાનું 62.24% પરિણામ જાહેર થતા 'કહી ખુશી કહી ગમ' જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નબળા પરિણામથી હતાશ થયેલા અનેક વિદ્યાર્થીઓ આઘાતમાં સરી પડ્યા છે. એવામાં વડોદરાની એક વિદ્યાર્થિનીએ આવેશમાં આવી જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સવયા નગર સોસાયટીમાં રહેતી 15 વર્ષીય સગીરાએ પણ તાજેતરમાં બોર્ડની પરીક્ષા આપી હતી. જેને પોતાના પરિણામને લઈને ઊંચી અપેક્ષા હતી, પરંતુ આજે જ્યારે પરિણામ જાહેર થતાં ધાર્યા કરતાં ઓછું પરિણામ આવતા તે નાસીપાસ થઈ ગઈ હતી અને આઘાતમાં સરી પડી હતી.
આખરે પરિણામથી નિરાશ વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો અને પોતાના ઘરે જ ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે વિદ્યાર્થિનીની તબિયત લથડતા પરિવારજનો તેને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં વિદ્યાર્થિનીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.