Vadodara News:ડભોઈ નગર અને તાલુકાના સમગ્ર પંથકમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. પૂજા-અર્ચના અને મંડપોના શણગાર માટે અનિવાર્ય ગણાતા ફૂલોની ભારે માંગ વચ્ચે ગલગોટાના ભાવમાં અચાનક મોટો કડાકો બોલાતા ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ડભોઈ તાલુકાના સીમરીયા અને ગોપાલપુરા ગામ વચ્ચે રોડની સાઈડમાં તથા કચરાના ઢગલામાં પીળા અને કેસરી ગલગોટાના ફૂલો મોટી માત્રામાં બિનવારસી હાલતમાં રઝળતા જોવા મળતા ભારે ચર્ચા જાગી છે. દશામાના વ્રત અને ઉત્સવ વખતે માર્કેટમાં ગલગોટાના ભાવ પ્રતિ કિલો રૂ. ૫૦ થી રૂ. ૬૦ સુધી બોલાતા હતા. પરંતુ ગણેશ ચતુર્થી આવતા જ બજારમાં માંગ સામે આવક વધી જતાં અથવા વેપારીઓની નીતિને કારણે ભાવ તૂટીને સીધા રૂ. ૧૦ થી રૂ. ૧૫ પ્રતિ કિલો પર આવી ગયા છે.
ભાવ એટલા નીચા સ્તરે પહોંચી ગયા છે કે ખેડૂતોને ફૂલ તોડવાની મજૂરી અને તેને માર્કેટ સુધી પહોંચાડવાનો ભાડા-ખર્ચ પણ નીકળે તેમ નથી. આ કફોડી સ્થિતિને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. ડભોઈથી બોડેલી તરફ જતા હાઈવે પર સીમરીયા ગામ નજીક રસ્તાની બંને બાજુ કચરામાં ફેંકી દેવાયેલા કેસરી અને પીળા ફૂલોના દ્રશ્યો જોઈને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો આશ્ચર્યમાં મુકાયા છે.
સ્થાનિક સ્તરે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે નિરાશ થઈને ખેડૂતો જ પોતાનો માલ ફેંકી ગયા છે કે પછી બજારમાં માલ ન વેચાતા વેપારીઓએ બચેલો જથ્થો કચરા તરીકે અહીં ઠાલવી દીધો છે? સામાન્ય રીતે તહેવારોમાં ફૂલોની અછત સર્જાતી હોય છે, પરંતુ આ વખતે પુષ્કળ ઉત્પાદન છતાં ધરતીપુત્રને યોગ્ય વળતર ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રસ્તા પર રઝળતા આ ફૂલો ખેડૂતોની રક્તપાત સમાન મહેનત અને બજારની કરુણ વાસ્તવિકતા બયાન કરી રહ્યા છે.
