લોકલ ડેસ્કઃ ભારત સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકર મધ્ય ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. ત્યારે આજે વિદેશ મંત્રી એસ. જયશંકર વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટથી નર્મદા જિલ્લાની મુલાકાતે રવાના થયા હતા. જેમાં વ્યાધરા, અમદલા, ભાડોદ અને માલસામોટ ગામની મુલાકાત લેશે.
મહત્ત્વનું છે કે, વડોદરા એરપોર્ટ પર મધ્ય ગુજરાતના બે દિવસીય પ્રવાસ માટે આવી પહોંચેલા વિદેશમંત્રી એસ.જયશંકરનું મેયર નિલેશ રાઠોડ અને ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ દ્ધારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે કલાનગરીના કલાકારે વિદેશ મંત્રીને ભેટ આપી તેમની સાથે સેલ્ફી લીધી હતી. ત્યાર બાદ વિદેશ મંત્રી વડોદરા એરપોર્ટથી નર્મદા જિલ્લા જવા માટે રવાના થયા હતા.
કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકર તારીખ 26 અને 27મી મે, ૨૦૨૩ના રોજ બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાત છે. તારીખ 26મી મે, શુક્રવારે સવારે 9.30 વાગ્યે રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે આવશે. ત્યારબાદ સવારે 11.30 કલાકે તિલકવાડા તાલુકામાં સાંસદ આદર્શ ગામ યોજના હેઠળના વ્યાધર ગામની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે 12.00 કલાકે ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામે જવા રવાના થશે અને બપોરે 12.45 કલાક સુધી ગામની મુલાકાત કરી ગ્રામજનો સાથે સંવાદ સ્થાપિત કરી ખૂટતી કડી અંગે માહિતી મેળવશે.
બાદમાં એકતાનગર (કેવડીયા) સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થશે. કેન્દ્રીય મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર બપોરે 2.30 કલાકે સાગબારા તાલુકાના ભાદોડ ગામની મુલાકાત માટે જવા રવાના થશે. ભાદોડ ગામે 4.30 કલાકે પહોંચી ગામની મુલાકાત કરી ગ્રામજનો સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ વિદેશ મંત્રી દેડિયાપાડા તાલુકાના માલ સામોટ ગામની મુલાકાત માટે સાંજે 5.00 કલાકે જવા રવાના થશે.
માલ સામોટ ગામમાં સાંજે 6.15થી 6.45 સુધી ગામની મુલાકાત અને ગામલોકો સાથે વિવિધ વિકાસ મુદ્દે ચર્ચા કરશે. સાંસદ આદર્શ ગામ હેઠળના આ ગામોની મુલાકાત બાદ મંત્રીશ્રી રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે અનુકૂળતાએ પરત ફરશે.
બીજા દિવસે તારીખ 27મી મે, શનિવારના રોજ સવારે 8.15થી 9.00 કલાકે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર રાજપીપલાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે નિર્માણ થનાર જિમ્નાસ્ટિક હોલની મુલાકાત લેશે અને પ્રગતિ હેઠળના કામનું નિરિક્ષણ કરશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સવારે 9.30 કલાકે અમદાવાદ જવા રવાના થશે.