Diwali Clay Diyas: દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર બજારમાં ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે અને આ પર્વમાં દીપ પ્રાગટ્ય વગર અધૂરું ગણાય છે. આ પવિત્ર તહેવારને અનુલક્ષીને બજારમાં માટીના અવનવા અને આકર્ષક દીવડાઓનું આગમન થઈ ગયું છે, જે ગ્રાહકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
પરંપરાગત કાચા કોડિયાથી લઈને આધુનિક કલરફુલ અને પ્રિન્ટેડ દીવડાઓની વિવિધ ડિઝાઇન બજારોમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે ઘરના આંગણે સુંદર રંગોળી પૂરવામાં આવે છે, અને આ રંગોળીની આસપાસ મૂકી શકાય તેવા ખાસ ડિઝાઇનવાળા દીવડાઓની માંગમાં ભારે વધારો નોંધાયો છે. બજારમાં એક જ વાટવાળા સામાન્ય દીવાઓ ઉપરાંત પાંચ વાટ ધરાવતા દીવડાઓ અને કલાત્મક આકારોવાળા દીવાઓ પણ ઉપલબ્ધ છે, જે ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.
ખાસ વાત એ છે કે, બજારમાં વિવિધ પ્રકારની આકર્ષક ડિઝાઇન અને વૈવિધ્ય ઉપલબ્ધ હોવા છતાં, માટીના દીવડાઓના ભાવમાં કોઈ વિશેષ વધારો થયો નથી. સામાન્ય પરિવારો પણ સરળતાથી ખરીદી શકે તેવા ભાવે આ દીવડાઓ વેચાઈ રહ્યા છે, જેના કારણે ગ્રાહકોમાં ખુશી જોવા મળી રહી છે.
વર્તમાન સમયમાં બજારમાં ચાઈનીઝ લાઈટો અને ઇલેક્ટ્રિક દીવડાઓનું આકર્ષણ પણ જોવા મળે છે, પરંતુ તેની સામે આપણા સ્વદેશી માટીના દીવડાઓ મજબૂત ટક્કર આપી રહ્યા છે. સ્થાનિક કુંભારો અને કારીગરોની સખત મહેનત અને કલાત્મક સૂઝબૂઝથી તૈયાર થયેલા આ દીવડાઓ માત્ર ઘરને જ રોશન નથી કરતા, પરંતુ 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી અપનાવો'ના મંત્રને પણ સાર્થક કરે છે.
નાગરિકો પણ ચાઈનીઝ વસ્તુઓનો ત્યાગ કરી સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત માટીની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. આ દિવાળીએ લોકોમાં પરંપરાગત માટીના દીવડાઓ પ્રત્યેનો પ્રેમ અને આકર્ષણ સ્પષ્ટપણે વધી રહ્યું છે, જેને કારણે સ્થાનિક કુંભારોના વ્યવસાયમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આખી દીવાળીના માહોલમાં આ સ્વદેશી દીવાઓ આપણા દેશના પરંપરાગત શિલ્પકારોની કલાને ઉજાગર કરી રહ્યા છે.
