ડભોઇમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી: હર્ષ સંઘવીએ 'રન ફોર યુનિટી'ને કરાવ્યો પ્રારંભ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ડભોઇ ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'રન ફોર યુનિટી'ને પ્રસ્થાન કરાવી એકતા શપથ લેવડાવ્યા

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 31 Oct 2026 11:03 AM (IST)Updated: Sat, 31 Oct 2026 11:03 AM (IST)
dabhoi-run-for-unity-national-unity-day-celebration-harsh-sanghavi-sardar-patel-jayanti

National Unity Day  2026: અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્ય સાથે વડોદરા જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સહિત ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, જિલ્લા પોલીસ અધિકક્ષક ગ્રામ્ય સુશીલ અગ્રવાલ તથા અન્ય મહાનુભાવોએ ડભોઇ કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીએ લોકોને સંબોધ્યા

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે આપણે સૌ લોકો એક વિશેષ દોડ માટે અહીંયા એકત્રિત થયા છીએ. આ કોઈ સરકારી કે રાજકીય કે કોઈ સમાજનો કાર્યક્રમ નથી, આજનો કાર્યક્રમ આપણે સૌ લોકો એક છે એનો સંદેશ આપે છે.

આપણા સરદાર સાહેબે 562 રજવાડાઓ એક કર્યા, આપણા ભારત દેશને એક બનાવ્યો ત્યારે આજે એમની 151મી જન્મ જયંતિના દિને એક સંકલ્પ લઈએ કે, આવનારી બધી જ પેઢીઓ આપણે એક રહીને ભારતના વિકાસની દોડમાં હંમેશા સહભાગી થઈશું.

PM મોદીએ સૌથી મોટી ગગનચુંબી પ્રતિમા બનાવી-હર્ષ સંઘવી

આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની દુનિયાની સૌથી મોટી ગગનચુંબી પ્રતિમા બનાવી છે. જે દેશ આપણા પર રાજ કરતો હતો એ દેશના લોકો પણ આવી-આવીને સરદાર સાહેબને વંદન નમન કરતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં દુનિયાભરથી લોકો સરદાર સાહેબને સમજવા, એમની પ્રતિમાને જોવા આવે જે આપણા સૌ માટે ખૂબ ગૌરવની વાત છે.

હર્ષ સંઘવીએ લોકોને જાહેર અપીલ કરી

તેમણે વધુમાં સૌને વિનંતી કરી હતી કે, આ એકતા દોડ એ માત્ર આજના દિવસે નહીં, પરંતુ સરદારના વિચારો આપણે આખા વર્ષ દરમિયાન આપણામાં જીવંત રાખીએ અને દેશના વિકાસમાં એક ભારતીય તરીકે આપણે સૌ લોકો સાથે મળીને કામગીરીમાં જોડાઈએ. અંતે તેમણે સરદાર સાહેબના એકતાના વિઝનની સાથે વડાપ્રધાનના 2047ના વિકાસના વિઝનમાં સૌ લોકો એક થઈને દેશને આગળ વધારીએ એમ જાહેર અપીલ કરી હતી.

મહાનુભાવોએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પિત કરી

આ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો એ અખંડ ભારતના ઘડવૈયા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાદર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત સૌએ 'એકતા શપથ' ગ્રહણ કર્યા હતા. ડભોઇ કોલેજ ગ્રાઉન્ડથી પ્રારંભ થયેલી એકતા યાત્રા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજથી એ.પી.એમ.સી.થી સરદાર પટેલની પ્રતિમાથી રાધે કોમ્પ્લેક્ષ થઇ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સમાપન કરવામાં આવી હતી. એકતા દોડમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીઓ સહભાગી થયા હતા.