ડભોઈના કરાલી ગામે મગરનો આતંક, દેવ નદી કિનારે બકરા ચરાવતા પશુપાલકને ફાડી ખાધો

ડભોઈ તાલુકાના કરાલી ગામે દેવ નદી કિનારે બકરા ચરાવવા ગયેલા પશુપાલક સોમાભાઈ વસાવા પર વિશાળકાય મગરે હુમલો કર્યો. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પશુપાલકનું મોત નિપજતાં ગામમાં શોક.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 10:47 AM (IST)Updated: Tue, 03 Nov 2026 10:47 AM (IST)
dabhoi-karali-village-crocodile-attack-dev-river-farmer-death-vadodara-ssg-hospital-news

Dabhoi Crocodile Attack: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરાલી ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર ઘટના સામે આવી છે. ગામ નજીક વહેતી દેવ નદીના કિનારે પોતાના પશુઓ અને બકરા ચરાવવા ગયેલા એક નિદોર્ષ પશુપાલક પર વિશાળકાય મગરે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. આ કરુણ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડ પશુપાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે.

પશુ પાલકને મગરે પાણીમાં ખેંચ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, કરાલી ગામના રહેવાસી સોમાભાઈ મેલાભાઈ વસાવા દરરોજની જેમ પોતાના રોજિંદા વ્યવસાયના ભાગરૂપે બકરા અને પશુઓને ચરાવવા માટે ગામની નજીક આવેલી દેવ નદીના કિનારે ગયા હતા. તેઓ નદી કિનારે પોતાના પશુઓની સંભાળ રાખી રહ્યા હતા, તે જ સમયે અચાનક નદીના ઊંડા પાણીમાંથી બહાર આવેલા એક વિશાળકાય મગરે તેમના પર હુમલો કરી દીધો હતો. મગરે અચાનક પકડેલી પકડ અને જીવલેણ હુમલાથી સોમાભાઈ સંભળાઈ શક્યા નહોતા અને મગર તેમને ખેંચીને પાણી તરફ લઈ જવા લાગ્યો હતો.

સ્થાનિકોએ ઘાયલને હોસ્પિટલે ખસેડ્યો

સોમાભાઈની ચીસો સાંભળીને આસપાસના ખેતરોમાં કામ કરતા અને અન્ય પશુ ચરાવતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત અને સાહસ દાખવીને સોમાભાઈને મગરના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. પરંતુ, આ જીવલેણ હુમલામાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં પશુ પાલકે દમ તોડ્યો

ડભોઈ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ તેમને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. વડોદરા એસએસજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સોમાભાઈની તબિયતમાં સુધારો ન થતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અચાનક થયેલા મોતના કારણે વસાવા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહનું પંચનામું અને પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

પશુ પાલકો અને સ્થાનિકોમાં ફફડાટ

આ કરુણ ઘટના બાદ કરાલી ગામ સહિત આસપાસના સમગ્ર નદીકાંઠાના વિસ્તારોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. દેવ નદી અને તેની આસપાસના જળાશયોમાં અગાઉ પણ અનેક વખત મગરો જોવા મળ્યા છે, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી અને મગરોના સતત વધતા જતા ઉપદ્રવના કારણે હવે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક ગ્રામજનોમાં વન વિભાગની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.