Gujarat GST Raid: દશેરાના તહેવાર દરમિયાન ઓટોમોબાઈલ ક્ષેત્રે થયેલા મસમોટા વેચાણ બાદ કરચોરી પકડવા માટે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગે લાલ આંખ કરી છે. કરચોરો સામે કડક કાર્યવાહી કરતા વિભાગે વડોદરા સહિત રાજ્યના ચાર મુખ્ય મહાનગરોમાં એકસાથે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરોડા દરમિયાન કાર એસેસરીઝ અને ઓટો પાર્ટ્સ સાથે સંકળાયેલા 46 જેટલા વેપારીઓના 72થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તબક્કે 6 કરોડની કરચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર, જીએસટી વિભાગની જુદી જુદી ટીમોએ વડોદરામાં 12, અમદાવાદમાં 35, સુરતમાં 12 અને રાજકોટમાં 13 સ્થળોએ દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સઘન તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે અંદાજે રૂ. 6 કરોડની કરચોરી ખુલ્લી પડી છે. જેમાંથી અધિકારીઓએ ઘટનાસ્થળે જ રૂ. 1.50 કરોડની દંડકીય રકમ વસૂલ કરી લીધી છે.
ગેરરીતિઓનું મોટું નેટવર્ક છતું થયું
જીએસટી અધિકારીઓની તપાસમાં વેપારીઓ દ્વારા આચરવામાં આવતી અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. જેમાં મુખ્યત્વે સત્તાવાર બિલ વગર કાચી ચિઠ્ઠીઓ પર ખરીદ-વેચાણ કરવું, વધુ જીએસટી દર ધરાવતી વસ્તુઓને ઓછા ટેક્સ સ્લેબમાં દર્શાવવી, અને રજિસ્ટ્રેશન વિના જ ગેરકાયદેસર રીતે ધંધો ચલાવવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલાક વેપારીઓ કમ્પોઝિશન સ્કીમ હેઠળ હોવા છતાં ગ્રાહકો પાસેથી જીએસટી પેટે નાણાં ઉઘરાવીને સરકારી તિજોરીમાં જમા ન કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
કરચોરીનો આંકડો વધે તેવી શક્યતા
નોંધનીય છે કે, જીએસટી વિભાગે તાજેતરમાં જ મોબાઈલના 79 શોરૂમ્સ પર દરોડા પાડીને રૂ. 22 કરોડની ટેક્સ ચોરી પકડી પાડી હતી અને બિલ વિનાના 500 સ્માર્ટફોન જપ્ત કર્યા હતા. હાલમાં ઓટો પાર્ટ્સ ડીલરોને ત્યાંથી કબજે કરાયેલા ચોપડાઓ, હિસાબી દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની ઝીણવટભરી ચકાસણી ચાલી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં કરચોરીનો આ આંકડો હજુ વધવાની શક્યતા સેવાઈ રહી છે.
