રામ રાખે તેને કોણ ચાખે! નંદેસરી બ્રિજ પર કાળમુખા વાહને ટક્કર મારતા યુવક હવામાં ઉછળ્યો, શર્ટ થાંભલામાં ભરાઈ જતાં જીવ બચ્યો

આ ઘટનાની જાણ થતાં જ નંદેસરી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 21 Dec 2025 10:43 AM (IST)Updated: Sun 21 Dec 2025 10:43 AM (IST)
a-young-man-was-thrown-into-air-after-being-hit-by-a-vehicle-on-nandesari-bridge-in-vadodara-659256

Vadodara Accident: કહેવાય છે કે જેનો રક્ષણહાર ઈશ્વર હોય તેનું મૃત્યુ પણ કંઈ બગાડી શકતું નથી. વડોદરા નજીક નંદેસરી બ્રિજ પર ગતરોજ એક એવી રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના બની, જેમાં 'કાળ' સામે 'કરુણા'નો વિજય થયો હોય તેમ જણાય છે. એક ભયાનક અકસ્માતમાં વાહનની ટક્કરથી 20 ફૂટની ઊંચાઈએથી નીચે ફેંકાયેલા યુવકનો શર્ટ બ્રિજના થાંભલામાં ફસાઈ જતાં તે હવામાં લટકી રહ્યો અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

અકસ્માતની હકીકત

આણંદ જિલ્લાના અડાસ ગામનો 20 વર્ષીય યુવક સિદ્ધરાજસિંહ મહિડા શનિવારે સવારે પોતાના મોપેડ પર વડોદરા તરફ જઈ રહ્યો હતો. સવારે આશરે 10:30 વાગ્યાના સુમારે જ્યારે તે નંદેસરી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને તેની મોપેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સિદ્ધરાજ મોપેડ પરથી ઉછળીને બ્રિજના રક્ષણાત્મક કઠેડાની બહાર ફેંકાયો હતો.

શર્ટ બન્યો 'જીવનરક્ષક'

સામાન્ય રીતે આવી સ્થિતિમાં વ્યક્તિ સીધો નીચે જમીન પર પટકાય છે, જે જાનલેણ સાબિત થઈ શકે છે. પરંતુ વિધિના લેખ કંઈક અલગ જ હતા. સિદ્ધરાજ જેવો નીચે પડવા ગયો કે તરત જ તેનો શર્ટ બ્રિજના લોખંડના થાંભલામાં ફસાઈ ગયો. યુવક જમીન પર પટકવાને બદલે હવામાં આશરે 20 ફૂટની ઊંચાઈએ લટકી રહ્યો હતો. અકસ્માતને કારણે તેને માથાના ભાગે ઈજાઓ થઈ હોવાથી તે બેભાન થઈ ગયો હતો, પરંતુ શર્ટને કારણે તે જમીન પર પટકાયો નહીં.

રાહદારીઓની માનવતા

બ્રિજ પરથી પસાર થતા લોકોએ જ્યારે એક યુવકને મોત અને જિંદગી વચ્ચે લટકતો જોયો ત્યારે અફરાતફરી મચી ગઈ હતી. સાંકરદાના રહેવાસી અશ્વિન સોલંકી અને અન્ય રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ હિંમત બતાવીને બેભાન અવસ્થામાં લટકી રહેલા સિદ્ધરાજને હાથ પકડીને ઉપર ખેંચી લીધો હતો. આ દિલધડક રેસ્ક્યુ બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ શરુ

આ ઘટનાની જાણ થતાં જ નંદેસરી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો યુવકનો શર્ટ થાંભલામાં ન ભરાયો હોત તો આજે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. હાલમાં સિદ્ધરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.