Vadodara
Vadodara Accident: વડોદરામાં પૂરપાટ ઝડપે જતી બાઈકે મહિલાને અડફેટે લીધી, હવામાં ફંગોળાઇ નીચે પટકાતા મહિલા અને બાઈક સવારનું મોત
vadodara News: બેફામ ઝડપે જતા વાહન ચાલકો પોતાની સાથે અન્યોના જીવ પણ જોખમમા મુકી દે છે. વડોદરામાં આવીજ ઘટના બની છે. જેમાં પીતાંબર સોસાયટી પાસે અક્ષર ચોકથી મનીષા ચોકડી તરફ પૂર ઝડપે જતી બાઈકે ચાલવા નીકળેલી મહિલાને અડફેટે લીધી હતી. બાઇકની સ્પીડ એટલી હતી કે મહિલા અને બાઇક સવાર બન્ને હવામાં ફંગોળાયા હતા. હવામાં ફંગોળાઈને નીચે પટકાતા મહિલા અને બાઇક સવાર બન્નેના મોત નીપજ્યા હતા. બનાવ સ્થળે પહોંચી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાના જૂના પાદરા રોડ સ્થિત કોલાબરા કોલ સેન્ટરમાં 25 વર્ષીય યુવક રાઘવ સુબોધ શેરસીગર નોકરી કરતો હતો. આજે વહેલી સવારે નોકરી પરથી છૂટીને પૂર ઝડપે બાઈક લઇને ઘરે જઇ રહ્યો હતો. અક્ષર ચોકથી મનીષા ચોકડી તરફથી ઘર તરફ જઇ રહ્યો હતો એ સમયે ગુલાબ વાટિકામાં રહેતા 60 વર્ષીય મહિલા મંજુલાબેન પટેલ સવારે ચાલવા નીકળ્યા હતા. પૂર ઝડપે જતા રાઘવે મંજુલાબેનને અડફેટે લીધા હતા.
બાઇક સવાર રાઘવે અડફેટે લેતા મંજુલાબેન હવામાં ફંગોળાઈને નીચે પડ્યા હતા. જ્યારે રાઘવે પણ અકસ્માત બાદ બેલેન્સ ગુમાવી બેસતા તે પણ હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો. મંજુલાબેન અને બાઇક સવાર રાઘવને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થયાની જાણ થતાં આસપાસથી લોકો એકઠાં થઇ ગયા હતા અને ત્વરિત પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે 108ની ટીમે બન્નેને મૃત જાહેર કર્યા હતા.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બન્નેને મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી છે.