Cold Wave: કડકડતી ઠંડીથી બચવા માટે વડોદરામાં એક દંપતી માટે હુંફ મેળવવા માટે સગડી રાખવી મોતનું કારણ બની છે. કોલસાની સગડી ચાલુ રાખીને ઉપરના માળે જમીન પર પતારી કરી સોલંકી દંપતી સુઇ ગયું હતું. જોકે ગુંગળાઇ જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
રણોલી ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરતા વિનોદભાઈ ડાહ્યાભાઈ સોલંકી બાજવા નજીક આવેલ કરાચીયા રોડ ખાતે વૃંદાવન સોસાયટી બે પુત્રો અને પત્ની સાથે રહેતા હતા. વિનોદભાઈએ થોડા સમય પહેલા જ દશરથ ગામથી આજોડ જવાના રોડ ઉપર આવેલી કૃષ્ણ વિલાસ સોસાયટીના નવું મકાન લીધું હતું. વિનોદભાઈ સોલંકી અને તેમના પત્ની ઉષાબેન સોલંકી અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ઘરમાં ઊંઘવા માટે આવતા હતા.
ગતરોજ વિનોદભાઈ અને તેમના પત્ની નવા ઘરે જઈ રાતે ઠંડીથી બચવા કોલસાની સગડી ચાલુ રાખી સુઈ ગયા હતા. સવારે મોટા પુત્રે હાર્દિકે ફોન કરતા પિતાએ ફોન ઉઠાવ્યો ન હતો. જેથી મોટો પુત્ર અને ભત્રીજો કૃષ્ણ વિલાસ સોસાયટીના મકાને પહોંચી ગયા હતા, પરંતુ દરવાજો ખખડાવતા માતા-પિતા દરવાજો ન ખોલતા પાછળના ભાગેથી મકાનના ઉપરના માળે પહોંચ્યા હતા. બેડરૂમમાં તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો. જેથી દરવાજો તોડી બેડરૂમમાં જોતા પથારી પર માતા પિતા મૃત હાલતમાં હતા.
સમગ્ર મામલે છાણી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા છાણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બન્ને મૃતદેહ ને પી.એમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસનું અનુમાન છે કે, રાત્રે ઠંડીથી બચવા કોલસાની સગડી ચાલુ રાખીને દંપતી સુઈ ગયા હતા અને રૂમના બારી બારણાં બંધ હોવાથી ઝેરી વાયુ ઉત્પન્ન થયો હશે. જેથી ઝેરી વાયુની અસરના કારણે ગુંગળાઈ જવાથી દંપતીનું મોત નીપજ્યું હોય તેવી આશંકા છે. પી.એમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે.