Vadodara: વડોદરામાં એક યુવતી રિક્ષામાં બેસીને પોતાના ઘરે પરત આવી રહી હતી ત્યારે ત્રણ બાઈક સવાર યુવકો તેનો પીછો કરી રહ્યા હતા. આ બાબતની યુવતીને જાણ થતાં તેણે વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયોની નોંધ પોલીસ અને શી ટીમે લીધી હતી. શી ટીમે ગણતરીના દિવસોમાંજ ત્રણેય રોમિયોને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી યુવતી રિક્ષામાં બેસીને પોતાના ઘરે પરત ફરી રહી હતી. ત્રણ બાઇક સવાર યુવકો તેનો પીછો કરી રહ્યાં હોવાનું યુવતીના ધ્યાને આવ્યું હતું. યુવતીએ બેગમાંથી મોબાઈલ કાઢીને રોમિયોના ચહેરા અને બાઇકનો નંબર દેખાય એ રીતે વીડિયો બનાવી લીધો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયો વડોદરા પોલીસ અને શી ટીમને ધ્યાને આવ્યો હતો. વીડિયો જોયા બાદ શી ટીમે રોમિયોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી.
ત્રણજ દિવસની અંદર વીડિયોમાં દેખાતા રોમિયોને શી ટીમે ઝડપી પાડ્યા હતા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. રોમિયોગીરી કરી રહેલા યુવકોની બાઈક પણ જપ્ત કરવામાં આવી હતી. વડોદરાની શી ટીમની કામગીરી જોતા પીડિત યુવતીએ વડોદરા પોલીસ અને શી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. યુવતીનો આભાર વ્યક્ત કરતો વીડિયો વડોદરા પોલીસે પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયોમાં યુવતી પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે અને અન્ય મહિલાઓને પણ પોલીસની મદદ લેવા માટે વિનંતી કરી રહી હોવાનું જણાવી રહી છે.

સમગ્ર મામલે મહિલા શી ટીમના ઉચ્ચ અધિકારી રાધિકા ભરાઈએ જણાવ્યુ હતું કે, સોશ્યિલ મીડિયામાં એક વીડિયો અમારા ધ્યાને આવ્યો હતો. જેમા એખ બહેન બોલી રહ્યાં છેકે, આ રોમિયો 7 થી 8 km થી મારો પીછો કરી રહ્યા છે. વીડિયોમાં રોમિયોની બાઈકનો નંબર પણ દેખાઈ રહ્યો છે.

અમે બે દિવસથી આ બહેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ સંપર્ક ના થતા અમારા સોશ્યિલ મીડિયા હેન્ડલ મારફતે તેમનો સંપર્ક કર્યો હતો. જે છોકરાઓ છે તમને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મોટર સાયકલ પર ત્રણ સવારી જતા હોવાથી તેમની મોટર સાયકલ પણ જપ્ત કરી છે. બહેન ફરિયાદ કરવા ન માંગતા હોવાથી અમે રોમિયો સામે અટકાયતી પગલાં લીધા છે. જેથી ફરીથી આવા પ્રકારનું કૃત્ય ના કરે.
https://twitter.com/Vadcitypolice/status/1620835854896996352