Tapi Sugar Mill Accident: તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા દાદરિયા સ્થિત કોપર કો-ઓપરેટિવ સુગર મિલમાં દિવાળીના તહેવારો ટાણે જ એક અત્યંત દુ:ખદ અને કરુણ ગોઝારી ઘટના સામે આવી છે. મિલ પરિસરમાં કામગીરી દરમિયાન અચાનક ગરમ અને ઠંડા પાણીની તોતિંગ ટાંકી ધડાકાભર તૂટી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં કાટમાળ નીચે દબાઇ જવાથી બે નિર્દોષ કર્મચારીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
કાટમાળ નીચે દબાતાં બે કર્મીઓના મોત
મળતી માહિતી પ્રમાણે, કોપર કો ઓપરેટિવ સુગ મિલમાં 5 નવેમ્બરના રોજ સાંજના સમયે આશરે 5.30 કલાકે મિલમાં દૈનિક કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. ટાંકી તૂટી પડતા જ ત્યાં કામ કરી રહેલા શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. કાટમાળ નીચેથી ભારે જહેમત બાદ 2 કર્મચારીઓના શબોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મરણ જનારા કર્મચારીઓની વિગત
શુગર મિલમા ટાંકી નીચે દબાઈ જતાં ધર્મેશ ભીખુ પટેલ (ઉ.35 રહે દાદરિયા ગામ) નો મૃતદેહ રાત્રે 2 કલાકે બહાર કાઢ્યો હતો. મૃતકના પરિવારની માહિતી પ્રમાણે, તેમના ઘરમાં વૃદ્ધ માતા છે. જયારે અન્ય કર્મચારી અરુણ છોટુભાઈ પટેલ (ઉ.54. રહે કલકવા ગામ)નો શબ રાત્રિના આશરે 12 કલાકે બહાર કાઢ્યો હતો. બંને મૃતદેહોને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કામદારોની સુરક્ષા સામે ગંભીર સવાલો
ઉલ્લેખનીય છે કે, દાદરિયા સ્થિત આ સુગર મિલનું સંચાલન મઢી, બારડોલી અને ચલથાણ સુગર મિલના સત્તાધીશો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. આ દુર્ઘટના બાદ મિલના મેન્ટેનન્સ અને કામદારોની સુરક્ષાના સાધનો પ્રત્યે દાખવવામાં આવતી બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. એક તરફ ફાયર બ્રિગેડના જવાનો પરસેવો પાડીને કાટમાળ હટાવી રહ્યા હતા અને મૃતકોના પરિજનો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ઘટનાસ્થળે હાજર મિલના ડિરેક્ટરો અને હોદ્દેદારો નિરાંતે બેસીને ઠંડા પીણાં અને જ્યુસ ગટગટાવતા હોવાના આરોપ સામે આવ્યા છે.
